અધ્યાય ૨ - સાંખ્ય યોગ
संजय उवाच - तं तथा कृपयाविष्टमश्रुपूर्णाकुलेक् षणम् । विषीदन्तमिदं वाक्यमुवाच मधुसूदनः ॥२-१॥
સંજય કહે છે-
આંખમાં આંસુ અને હૃદયમાં શોક તથા વિષાદ ભરેલ અર્જુનને, મધુસૂદને (કૃષ્ણે) આમ કહ્યું.(૧)
कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् । अनार्यजुष्टमस्वर्ग्यमकीर्ति
હે અર્જુન, યુદ્ધ ભૂમિમાં આ સમયે તને આવા વિચારો ક્યાંથી આવી રહ્યા છે.
કારણ કે જેને લીધે ન તો સ્વર્ગ મળે છે કે ન તો કીર્તિ પ્રાપ્ત થાય છે,
આવા વિચારો તારા જેવા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી. (૨)
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते । क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप ॥२-३॥
હે પાર્થ, તું આવા દુર્બળ અને કાયર વિચારોનો ત્યાગ કર અને યુદ્ધ કરવા માટે તૈયાર થા.(૩)
अर्जुन उवाच--कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन । इषुभिः प्रति योत्स्यामि पूजार्हावरिसूदन ॥२-४॥
અર્જુન કહે છે
હે મધુસૂદન, હું કેવી રીતે યુદ્ધ ભૂમિમાં ભીષ્મ પિતામહ અને આચાર્ય દ્રોણ સાથે યુદ્ધ કરું ?
હે અરિસૂદન, મારે માટે બંને પૂજનીય છે. (૪)
गुरूनहत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं भैक्ष्यमपीह लोके । हत्वार्थकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुधिरप्रदिग्धान् ॥२-५॥
ગુરુ અને પૂજ્યજનોના લોહીથી ખરડાયેલા હાથે મળેલ રાજ્યનો ઉપભોગ કરવા કરતાં
ભિક્ષા માંગી જીવન વીતાવવું મને બહેતર લાગે છે.
વળી એમને મારીને મને શું મળશે - ધન અને ભોગ-વૈભવ જ ને ? (૫)
न चैतद्विद्मः कतरन्नो गरीयो यद्वा जयेम यदि वा नो जयेयुः । यानेव हत्वा न जिजीविषामस्तेऽवस्थिताः प्रमुखे धार्तराष्ट्राः ॥२-६॥
મને તો એ પણ ખબર નથી પડતી કે -યુદ્ધ કરવું જોઈએ કે નહીં અને
એ પણ ખબર નથી કે એનું કેવું પરિણામ અમારે માટે યોગ્ય રહેશે - અમારી જીત કે કૌરવોની. ??
કારણ કે જેમને મારીને અમને જીવવાની ઈચ્છા જ ન રહે
એવા ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર ઊભા છે. (૬)
कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः । यच्छ्रेयः स्यान्निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् -७
મારું મન દ્વિધામાં છે અને આ સ્થિતિમાં મારો શું ધર્મ છે, મારે શું કરવું જોઈએ ?
એ મારી સમજમાં નથી આવતું. એથી હે કેશવ,
હું આપને પૂછું છું કે -મારે માટે જે સર્વપ્રકારે યોગ્ય અને કલ્યાણકારક હોય એ માર્ગ મને બતાવો.
હું આપનો શિષ્ય છું અને આપની શરણમાં આવ્યો છું. (૭)
न हि प्रपश्यामि ममापनुद्याद् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् । अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥२-८॥
સુખ સમૃદ્ધિથી ભરેલ પૃથ્વી તો શું સ્વર્ગનું સામ્રાજ્ય પણ મને મળી જાય તો પણ મારો શોક ટળે એમ નથી.(૮)
संजय उवाच--एवमुक्त्वा हृषीकेशं गुडाकेशः परन्तप । न योत्स्य इति गोविन्दमुक्त्वा तूष्णीं बभूव ह ॥२-९॥
સંજય કહે છે- હે રાજન, શ્રીકૃષ્ણને અર્જુન ‘હું યુદ્ધ નહીં કરું’ એવું સ્પષ્ટ કહી શાંત (ચૂપ) થયો. (૯)
तमुवाच हृषीकेशः प्रहसन्निव भारत । सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः ॥२-१०॥
ત્યારે બંને સેનાની મધ્યમાં ગ્લાનિ અને વિષાદમાં ડૂબેલ અર્જુનને સ્મિત કરતાં હૃષિકેશે આમ કહ્યું. (૧0)
अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे । गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ॥२-११॥
હે અર્જુન, તું જેનો શોક કરવો યોગ્ય નથી,તેનો શોક કરે છે,અને વિદ્વતાનાં વચનો બોલે છે.
પંડિતો જીવતાં હોય કે મૃત્યુ પામ્યા હોય - એ બંને માટે આંસુ નથી વહાવતા.
જ્યારે તું તો એમને માટે શોક કરી રહ્યો છે જેઓ હજુ જીવે છે. (૧૧)
न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः । न चैव न भविष्यामः सर्वे वयमतः परम् ॥२-१२॥
અને વળી એવું થોડું છે કે-ભૂતકાળમાં, મારું, તારું કે આ યુદ્ધમાં શામેલ રાજાઓનું કદી મૃત્યુ જ ન થયું હોય,
અથવા ભવિષ્યમાં પણ કદી મૃત્યુ થવાનું જ ન હોય ? (૧૨)
देहिनोऽस्मिन्यथा देहे कौमारं यौवनं जरा । तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति ॥२-१३॥
જેવી રીતે મનુષ્ય નો દેહ (શરીર) બાળક બને છે, યુવાન બને છે અને અંતે વૃદ્ધાવસ્થાને પામે છે
તેવી જ રીતે જીવનનો અંત આવ્યા પછી તેને બીજા શરીરની પ્રાપ્તિ થાય છે.
એથી બુદ્ધિમાન લોકો મોહિત થઈને શોક કરવા નથી બેસતા. (૧૩)
मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः । आगमापायिनोऽनित्यास्तांस्तितिक्
હે કૌન્તેય, ટાઢ-તાપ કે સુખ-દુઃખનો અનુભવ કરવાવાળા ઈન્દ્રિયના પદાર્થો તો ચલાયમાન અને અનિત્ય છે. તે કાયમ માટે રહેતા નથી. એથી હે ભારત, એને સહન કરતા શીખ. (૧૪)
यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ । समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥२-१५॥
જે ધીર પુરુષ એનાથી વ્યથિત નથી થતો તથા સુખ અને દુઃખ બંનેમાં સમ રહે છે
તે મોક્ષનો અધિકારી થાય છે. (૧૫)
नासतो विद्यते भावो नाभावो विद्यते सतः । उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोस्तत्त्वदर्
અસત્ કદી અમર નથી રહેતું ,જ્યારે સતનો કદાપિ નાશ નથી થતો
તત્વદર્શીઓ એ આવો આનો નિર્ણય લીધેલો છે. (૧૬)
अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् । विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति ॥२-१७॥
જે સર્વત્ર વ્યાપક છે તે તત્વ તો અવિનાશી છે, અને જે અવિનાશી હોય એનો નાશ કદાપિ થતો નથી. (૧૭)
अन्तवन्त इमे देहा नित्यस्योक्ताः शरीरिणः । अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत ॥२-१८॥
આ દેહ તો ક્ષણભંગુર છે, વિનાશશીલ છે પરંતુ તેમાં રહેતો આત્મા અમર છે.
એનો ન તો અંત આવે છે, કે ન તેને કોઈ મારી શકે છે. એથી હે ભારત, તું યુદ્ધ કર. (૧૮)
य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् । उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥२-१९॥
જે આત્માને વિનાશશીલ સમજે છે તથા તેને મારવા ઈચ્છે છે,
તે નથી જાણતા કે આત્મા ન તો કદી જન્મે છે કે ન તો કદી મરે છે. (૧૯)
न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥२-२०॥
આત્મા તો અજન્મા, અવિનાશી અને અમર છે.
શરીરનો નાશ ભલે થાય પરંતુ આત્માનો નાશ કદાપિ થતો નથી. (૨૦)
वेदाविनाशिनं नित्यं य एनमजमव्ययम् ।कथं स पुरुषः पार्थ कं घातयति हन्ति कम् ॥२-२१॥
હે પાર્થ, જે વ્યક્તિ આત્માને અવિનાશી, નિત્ય અને અજન્મા માને છે
તે કોઈનો નાશ કેવી રીતે કરી શકવાનો છે ? અને તે પોતે પણ કેવી રીતે મરી શકવાનો છે ? (૨૧)
वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरोऽपराणि । तथा शरीराणि विहाय जीर्णा न्यन्यानि संयाति नवानि देही ॥२-२२॥
જેવી રીતે કોઈ વ્યક્તિ જૂનાં વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્રોને ધારણ કરે છે,
તેવી જ રીતે જીવાત્મા એક શરીરને છોડીને બીજા શરીરને પ્રાપ્ત કરે છે. (૨૨)
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥२-२३॥
આત્માને ન તો શસ્ત્ર છેદી શકે છે, ન અગ્નિ બાળી શકે છે,
ન પાણી ભીંજવી શકે છે કે ન તો પવન સૂકવી શકે છે. (૨૩)
अच्छेद्योऽयमदाह्योऽयमक्लेद्यो
આત્મા તો અછેદ્ય, અદાહ્ય, અશોષ્ય અને પલળે નહીં તેવો છે.
આત્મા તો નિત્ય છે, સર્વવ્યાપી છે, અંતહીન છે, શાશ્વત છે. (૨૪)
अव्यक्तोऽयमचिन्त्योऽयमविकार्यो
આત્મા ન તો સ્થૂળ આંખે જોઈ શકાય છે કે ન તો બુદ્ધિ વડે સમજી શકાય છે. આત્મા અવિકારી છે,
હંમેશ માટે એક સરખો રહેનાર છે. એથી હે પાર્થ, તારે શોક કરવાની કોઈ આવશ્યકતા નથી.(૨૫)
अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् । तथापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि ॥२-२६॥
હે મહાબાહો, જો તું આત્માને વારેવારે જન્મ લેનાર અથવા મૃત્યુ પામનાર માનતો હોય, તો પણ તારે માટે શોક કરવાનું કોઈ કારણ નથી (૨૬).
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च । तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि ॥२-२७॥
કારણ કે જેવી રીતે દરેક જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે તેવી રીતે દરેક મરનારનું ફરી જન્મવું પણ એટલું જ નિશ્ચિત છે. એ ક્રમમાં ફેરફાર કરવા માટે તું અસમર્થ છે. એટલે તારે એ વિચારી શોક કરવાની જરૂર નથી. (૨૭)
अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत । अव्यक्तनिधनान्येव तत्र का परिदेवना ॥२-२८॥
હે અર્જુન, દરેક જીવાત્મા જન્મ પહેલાં અને મૃત્યુ પછી દેખાતો નથી. આ તો વચ્ચેની અવસ્થામાં જ તું એને જોઈ શકે છે. તો પછી એને માટે તું કેમ શોક કરે છે ? (૨૮)
आश्चर्यवत्पश्यति कश्चिदेनमाश्चर्यवद्वदति तथैव चान्यः । आश्चर्यवच्चैनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥२-२९॥
કોઈ આત્માને અચરજથી જુએ છે, કોઈ અચરજથી એના વિશે વર્ણન કરે છે, પરંતુ આત્મા વિશે સાંભળનાર અનેકોમાંથી કોઈક જ એને ખરેખર જાણી શકે છે. (૨૯)
देही नित्यमवध्योऽयं देहे सर्वस्य भारत । तस्मात्सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि ॥२-३०॥
હે ભારત, આત્મા નિત્ય છે, અવિનાશી છે, એથી તારે કોઈના મૃત્યુ પામવા પર શોક કરવાની જરૂરત નથી.(૩૦}
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि । धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्
હે પાર્થ, તું તારા સ્વ-ધર્મ વિશે વિચાર. તું ક્ષત્રિય છે અને ન્યાય માટે લડાનાર આ યુદ્ધમાં ભાગ લેવાથી મોટું તારે માટે કોઈ કર્તવ્ય નથી. (૩૧)
यदृच्छया चोपपन्नं स्वर्गद्वारमपावृतम् । सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् ॥२-३२॥
હે અર્જુન, સ્વર્ગના દ્વાર સમું આવું યુદ્ધ લડવાનું સૌભાગ્ય કોઈ ભાગ્યવાન ક્ષત્રિયને જ મળે છે. (૩૨)
अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि । ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि ॥२-३३॥
જો તું યુદ્ધ નહીં કરે તો તારા સ્વધર્મનું પાલન ન કરવાથી અપકીર્તિ અને પાપનો ભાગીદાર થશે. (૩૩)
अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम् । सम्भावितस्य चाकीर्तिर्मरणादतिरिच्यते ॥२-३४॥
લોકો તારી બદનામી કરશે, તારી (અકીર્તિની) વાતો કરતા થાકશે નહીં. તારા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે અપયશ મૃત્યુ કરતાં પણ બદતર સાબિત થશે. (૩૪)
भयाद्रणादुपरतं मंस्यन्ते त्वां महारथाः । येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् ॥२-३५॥
આજે તારા સામર્થ્યની પ્રસંશા કરવાવાળા મહારથી યોદ્ધાઓ તને યુદ્ધમાંથી ભાગી ગયેલો ગણશે અને એમની નજરમાંથી તું કાયમ માટે ઉતરી જઈશ.(૩૫)
अवाच्यवादांश्च बहून्वदिष्यन्ति तवाहिताः । निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किम् ॥२-३६॥
તારા પ્રતિસ્પર્ધીઓ તારી નિંદા કરશે અને તને ન કહેવાના કટુ વચનો કહેશે. એથી અધિક દુઃખદાયી બીજું શું હોઈ શકે ? (૩૬)
हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् । तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः ॥२-३७॥
હવે જરા વિચાર કર કે જો તું યુદ્ધ કરશે તો તારું શું જવાનું છે ? જો તું યુદ્ધ કરતાં મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ મળશે અને જો જીવતો રહીશ (અને વિજય પ્રાપ્ત કરીશ) તો વિશાળ સામ્રાજ્યનો અધિકારી બનીશ.
એથી હે કૌન્તેય, ઉઠ. (૩૭)
सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ । ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि ॥२-३८॥
સુખ-દુઃખ, લાભ-હાનિ, જય-પરાજય બધાને સમાન ગણી યુદ્ધ માટે તત્પર બન.
એમ કરવાથી તું પાપનો ભાગી નહીં થાય. (૩૮)
एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे त्विमां शृणु । बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि ॥२-३९॥
મેં અત્યાર સુધી જે વાત કરી તે જ્ઞાનની દૃષ્ટિએ કરી. હવે કર્મની દૃષ્ટિએ પણ તને સમજાવું જેથી તારા કર્મોના ફળને લઈને તને જો કોઈ ભય હોય તો તેનાથી તું મુક્ત થઈ જાય. (૩૯)
नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते । स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् ॥२-४०॥
કર્મયોગના હિસાબે કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ નથી જતું.આ ધર્મ નું થોડું પણ આચરણ
મોટા ભય થી મનુષ્ય ને બચાવે છે. (૪૦)
व्यवसायात्मिका बुद्धिरेकेह कुरुनन्दन । बहुशाखा ह्यनन्ताश्च बुद्धयोऽव्यवसायिनाम् ॥२-४१॥
જે કર્મયોગને અનુસરે છે એની બુદ્ધિ એક લક્ષ્ય પર સ્થિર રહે છે.
જ્યારે યોગથી વિહીન વ્યક્તિની બુદ્ધિ અનેક લક્ષ્યવાળી હોય છે (અર્થાત્ વિભાજીત હોય છે). (૪૧)
यामिमां पुष्पितां वाचं प्रवदन्त्यविपश्चितः । वेदवादरताः पार्थ नान्यदस्तीति वादिनः ॥२-४२॥
कामात्मानः स्वर्गपरा जन्मकर्मफलप्रदाम् । क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति ॥२-४३॥
भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसाम् । व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते ॥२-४४॥
હે પાર્થ, એવા યોગહીન લોકો કેવળ વેદોના સંભાષણને (કર્મ-કાંડને) જ સર્વ કાંઈ માને છે,
(સ્વર્ગ અને સ્વર્ગ નાં સુખો ને જ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ માને છે અને બીજું કાંઇ ઉત્તમ નથી તેમ બોલે છે)
તેઓ દુન્યવી ઈચ્છાઓમાં (વાસનાઓમાં) ફસાયેલ હોય છે.
એવા લોકો જન્મ-મરણના ચક્રમાં ફર્યા કરે છે.
ભોગ ઐશ્વર્યની ઈચ્છાથી
જુદી જુદી જાતના કર્મોમાં પ્રવૃત્ત થયેલ એવા લોકોની બુદ્ધિનું હરણ થયેલું હોય છે. એથી તેઓ કર્મયોગમાં કુશળતા પામીને પ્રભુની (સમાધિદશાની) પ્રાપ્તિ કરી શકતા નથી. (૪૨-૪૩-૪૪)
त
्रैगुण्यविषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन । निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् ॥२-४५॥
વેદમાં ત્રણ ગુણોનું વર્ણન કરેલું છે. હે અર્જુન, તારે એ ત્રણે ગુણોથી પર - ગુણાતીત થઈ બધા જ દ્વંદ્વોથી મુક્તિ મેળવવાની છે. એથી તું (લડવાથી થતી) લાભ-હાનિની ચિંતા છોડ અને આત્મસ્થિત થા.(૪૫)
यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके । तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥२-४६॥
જેવી રીતે સરોવરનું પાણી મળી જાય તેને કુવાના પાણીની જરૂરિયાત રહેતી નથી તેવી જ રીતે જેણે બ્રહ્મનું જ્ઞાન મેળવી લીધું હોય તેને પછી વેદનું અધ્યયન કરવાની જરૂરત રહેતી નથી. (૪૬)
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥२-४७॥
(એક વાત બરાબર સમજી લે કે) તારો “અધિકાર” માત્ર કર્મ કરવાનો છે, એનું કેવું ફળ મળે તેના પર નથી.
એથી ફળ મેળવવાની આશાથી કોઈ કર્મ ન કર. (ફળ પર માત્ર પ્રભુ નો અધિકાર છે)
જો તું ફળ મેળવવા માટે કર્મ કરીશ તો તને કર્મમાં આસક્તિ થશે. (૪૭)
योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनंजय । सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते ॥२-४८॥
એથી હે ધનંજય, કર્મની સફળતા કે નિષ્ફળતા -
બંનેમાં સમાન ચિત્ત રહીને તથા કર્મના ફળની આશાથી રહિત થઈને કર્મ કર.
આ રીતે કર્મ કરવાને (સમતા ને) જ યોગ કહેવામાં આવે છે. (૪૮)
दूरेण ह्यवरं कर्म बुद्धियोगाद्धनंजय । बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः ॥२-४९॥
આ રીતે (ફલેચ્છાથી રહિત અને સમત્વ બુદ્ધિથી) કરાયેલ કર્મો, ફલાશાથી કરાયેલ કર્મો કરતાં અતિ ઉત્તમ છે. (એથી સમબુદ્ધિ રાખી કર્મ કરવામાં જ સાર છે.) સમબુદ્ધિથી કર્મ કરવાવાળો વ્યક્તિ કર્મથી લેપાતો નથી (૪૯)
बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते । तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ॥२-५०॥
અને તે પાપ તથા પુણ્યથી પર થઈ જાય છે. એથી તું સમત્વના આ યોગમાં કુશળતા મેળવ.
(કર્મ માં કુશળતા એ જ યોગ છે) કર્મબંધનથી છૂટવાનો એ જ ઉપાય છે.(૫૦)
कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः । जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् ॥२-५१॥
જે વ્યક્તિ સમબુદ્ધિથી સંપન્ન થઈને કર્મફળનો ત્યાગ કરે છે તે
જન્મ-મરણના ચક્રથી છૂટી જઈને પરમપદની પ્રાપ્તિ કરે છે. (૫૧)
यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति । तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च ॥२-५२॥
જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી અંધકારથી ઉપર ઉઠશે
ત્યારે આ લોક અને પરલોકના બધા ભોગપદાર્થોથી તને વૈરાગ્ય પેદા થશે. (૫૨)
श
्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला । समाधावचला बुद्धिस्तदा योगमवाप्स्यसि ॥२-५३॥
અત્યારે વિવિધ ઉપદેશ સુણવાથી તારી મતિ ભ્રમિત થઈ છે.
જ્યારે તે પરમાત્મામાં સ્થિર થઈ જશે ત્યારે તું પરમાત્માની સાથે સંયોગ (યોગ-સ્થિતિ) કરી શકશે.(૫૩)
अर्जुन उवाच--स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव । स्थितधीः किं प्रभाषेत किमासीत व्रजेत किम् ॥२-५४॥
અર્જુન કહે છે
હે કેશવ, જેમની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ ચુકી છે એ પુરુષ કેવો હોય છે ? (એને કેવી રીતે ઓળખવો)
એના કેવા લક્ષણો હોય છે ? એ કેવી રીતે પોતાનો જીવનવ્યવહાર કરે છે ? (૫૪)
श्रीभगवानुवाच--प्रजहाति यदा कामान्सर्वान्पार्थ मनोगतान् । आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते ॥२-५५॥
ભગવાન કહે છે
હે પાર્થ, જ્યારે વ્યક્તિ પોતાના મનમાં ઉઠતી બધી જ કામનાઓને ત્યાગી દે છે અને પોતાના આત્મામાં સ્થિતિ કરે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.(૫૫)
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः । वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते ॥२-५६॥
સ્થિતપ્રજ્ઞ પુરુષનું મન ન તો દુઃખમાં વિચલિત થાય છે કે ન તો સુખની સ્પૃહા (ઈચ્છા-તૃષ્ણા) કરે છે.
એનું મન રાગ, ભય અને ક્રોધથી મુક્ત થયેલું હોય છે. (૫૬)
यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्
સુખ કે દુઃખ - બંનેમાં તેની પ્રતિક્રિયા સમાન હોય છે. ગમતી-સારી વસ્તુ મળવાથી તે ન તો પ્રસન્ન (સુખી) થાય છે કે-ન તો એના અભાવે (વસ્તુ ના મળે તો) વિષાદગ્રસ્ત (દુઃખી). તેની બુદ્ધિ સ્થિર થયેલી હોય છે. (૫૭)
यदा संहरते चायं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्
જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદરની તરફ સંકેલી લે છે તેવી રીતે તે પોતાની ઈન્દ્રિયોને વિષયોમાંથી કાઢી આત્મામાં સ્થિર કરે છે. ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. (૫૮)
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते ॥२-५९॥
જો વિષયોનો (ભોજન-વગેરેનો) ત્યાગ કેવળ બાહ્ય (બહાર નો ત્યાગ) હોય તો એવા ત્યાગ કર્યા છતાં
અંદરથી તેનો ઉપભોગ કરવાની ઇચ્છા યથાવત રહે છે.
પરંતુ પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી એ પદાર્થોના ઉપભોગની ઇચ્છાનો પણ અંત આવે છે. (૫૯)
यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः । इन्द्रियाणि प्रमाथीनि हरन्ति प्रसभं मनः ॥२-६०॥
હે કૌન્તેય, ઇન્દ્રિયો એટલી ચંચળ છે કે-
સાવધાનીથી ઈન્દ્રિયોનો સંયમ કરી અભ્યાસ કરનાર વિદ્વાન મનુષ્ય ના મન ને પણ (પરાણે)
ઈન્દ્રિયો હરી લે છે અને બળાત્કારે વિષયો તરફ ખેંચે છે. (૬૦)
तानि सर्वाणि संयम्य युक्त आसीत मत्परः । वशे हि यस्येन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥२-६१॥
હે અર્જુન, એથી સાધકે પોતાની ઈન્દ્રિયોનો સંયમ કરી મારું (પરમાત્માનું) ધ્યાન કરવું જોઈએ.
એમ કરવાથી ઈન્દ્રિયો વશમાં રહેશે અને મારામાં (પ્રભુમાં) મન-બુદ્ધિને સ્થિર કરી શકશે. (૬૧)
ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते । सङ्गात्संजायते कामः कामात्क्रोधोऽभिजायते ॥२-६२॥
વિષયોનું ચિંતન કરવાવાળા મનુષ્યનું મન એ પદાર્થોમાં આસક્ત થઈ જાય છે અને
એની જ કામના કર્યા કરે છે. (ભોગ-પદાર્થો ની ઈચ્છા-કામના થઇ ને કામ નો જન્મ થાય છે)
જ્યારે તે પદાર્થો નથી મળતા ત્યારે તે ક્રોધિત થઈ જાય છે. (કામના-કામ માંથી ક્રોધ નો જન્મ) (૬૨)
क्रोधाद्भवति संमोहः संमोहात्स्मृतिविभ्रमः । स्मृतिभ्रंशाद्बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति ॥२-६३॥
ક
્રોધ થવાથી એનું વિવેકભાન જતું રહે છે (ક્રોધ થી મૂર્ખતા નો જન્મ),
એને સારા-નરસાનું ભાન રહેતું નથી અને
એને સ્મૃતિભ્રમ થાય છે. (મૂર્ખતાથી સ્મૃતિનાશ થાય છે અને સ્મૃતિ નાશ થી બુદ્ધિ-નાશ થાય છે)
એવો ભ્રમિત ચિત્તવાળો (મન-બુદ્ધિ વાળો) મનુષ્ય પોતાનો સર્વનાશ નોંતરે છે. (૬૩)
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् ।आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥२-६४॥
જ્યારે એથી ઉલટું, ઈન્દ્રિયોને રાગ અને દ્વેષથી મુક્ત કરી પોતાના વશમાં કરનાર મનુષ્યને
અંતઃકરણની પ્રસન્નતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે. (૬૪)
प
्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते । प्रसन्नचेतसो ह्याशु बुद्धिः पर्यवतिष्ठते ॥२-६५॥
એથી ન કેવળ એના બધા દુઃખોનો અંત આવે છે પરંતુ પ્રસન્નચિત થયેલા એવા પુરુષ ની બુદ્ધિ,
પરમાત્મામાં હંમેશ માટે સ્થિર બને છે.(૬૫)
नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना । न चाभावयतः शान्तिरशान्तस्य कुतः सुखम् ॥२-६६॥
જેની ઈન્દ્રિયો સંયમિત નથી એની બુદ્ધિ સ્થિર રહી શકતી નથી અને એમ થવાથી એનામાં શાંતિ પેદા થતી નથી. એવો વ્યક્તિ શાંત કેવી રીતે બની શકે ? અને જે શાંત ન બને તેને વળી સુખ કેવી રીતે મળે ? (૬૬)
इन्द्रियाणां हि चरतां यन्मनोऽनु विधीयते । तदस्य हरति प्रज्ञां वायुर्नावमिवाम्भसि ॥२-६७॥
જેવી રીતે નૌકાને હવા ખેંચી જાય છે એવી રીતે ભટકતી ઈન્દ્રિયો તેના મનને ખેંચી જાય છે.
એની બુદ્ધિનું હરણ કરી લે છે. (૬૭)
तस्माद्यस्य महाबाहो निगृहीतानि सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्
એથી હે મહાબાહો, જેની ઈન્દ્રિયો વિષયોમાંથી નિગ્રહ પામી છે, એમની જ બુદ્ધિ સ્થિર રહે છે. (૬૮)
या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी । यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ॥२-६९॥
સંસારના ભોગોપભોગો માટે સામાન્ય મનુષ્યો પ્રવૃત્તિ કરતા દેખાય છે ત્યારે મુનિ એ માટે તદ્દન નિષ્ક્રિય રહે છે. (અર્થાત્ જે લોકો માટે દિવસ છે તે એને માટે રાત્રિ - નિષ્ક્રિય રહેવાનો સમય છે).
એવી જ રીતે જે લોકો માટે રાત્રિ છે તે મુનિ માટે દિવસ છે
(અર્થાત્ જેને માટે સામાન્ય મનુષ્યો પ્રયત્ન નથી કરતા તે પરમાત્માની પ્રાપ્તિ માટે મુનિ પ્રયત્ન કરે છે).(૬૯)
आपूर्यमाणमचलप्रतिष्ठं समुद्रमापः प्रविशन्ति यद्वत् । तद्वत्कामा यं प्रविशन्ति सर्वे स शान्तिमाप्नोति न कामकामी ॥२-७०॥
જેવી રીતે સરિતાનું જળ સમુદ્રને અશાંત કર્યા સિવાય સમાઈ જાય છે
તેવી જ રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ કોઈ વિકાર પેદા કર્યા વિના શાંત થઈ જાય છે.
(એને વૃત્તિઓ ચલિત નથી કરતી). એવો પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે.
નહીં કે સામાન્ય મનુષ્ય કે જે વૃતિઓ પાછળ ભાગતો ફરે છે.(૭૦)
विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः । निर्ममो निरहंकारः स शान्तिमधिगच्छति ॥२-७१॥
એથી હે અર્જુન, બધી જ કામનાઓનો ત્યાગ કર. જે મનુષ્ય મમતા, અહંકાર અને બધી જ ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે તે પરમ શાંતિને પામી લે છે. હે અર્જુન, એવો મનુષ્ય બ્રહ્મમાં સ્થિતિ કરે છે. (૭૧)
एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यति । स्थित्वास्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति ॥२-७२॥
એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી એ સંસારના ભોગપદાર્થોથી કદી મોહિત નથી થતો અને અંત સમયે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે.(૭૨)
અધ્યાય ૨ - સાંખ્ય યોગ - સમાપ્ત
No comments