Latest

અધ્યાય ૧૮ - મોક્ષ-સંન્યાસ-યોગ

संन्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् ।त्यागस्य च हृषीकेश पृथक्केशिनिषूदन ॥१८-१॥

અર્જુન કહે : હે મહાબાહો ! હે ઋષિકેશ ! હે કેશિનીષૂદન ! હું ‘ સન્યાસ’ શબ્દનો ખરો અર્થ અને 
’ ત્યાગ ’ શબ્દ નો પણ સત્ય અર્થ પૃથક જાણવા ઈચ્છું છું.(૧)

काम्यानां कर्मणां न्यासं संन्यासं कवयो विदुः ।सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ॥१८-२॥

શ્રી ભગવાન બોલ્યા : કેટલાક સુક્ષ્મદર્શી પંડિતો કામ્યકર્મો ના ત્યાગને ’સન્યાસ’કહે છે જયારે વિદ્ધાનો સર્વ કર્મોના ફળનો ત્યાગ કરવો એને ત્યાગ કહે છે.(૨)    

त्याज्यं दोषवदित्येके कर्म प्राहुर्मनीषिणः ।यज्ञदानतपःकर्म न त्याज्यमिति चापरे ॥१८-३॥

કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ માત્ર દોષયુક્ત હોય છે. આથી તેનો ત્યાગ કરવો.જયારે કેટલાક 
પંડિતો કહે છે કે યજ્ઞ,દાન.તપ વગેરે કર્મોનો ત્યાગ કરવો નહિ .(૩)

निश्चयं शृणु मे तत्र त्यागे भरतसत्तम ।त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः संप्रकीर्तितः ॥१८-४॥

હે ભરતશ્રેષ્ઠ ! એ ત્યાગ વિષે મારો ચોક્કસ મત શો છે તે તને કહું છું સાંભળ.
હે પુરુષવ્યાઘ્ર ! ત્યાગ પણ ત્રણ પ્રકારનો છે.(૪) 

यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् ।यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥१८-५॥

યજ્ઞ, દાન અને તપરૂપ કર્મ  ત્યાગ કરવા યોગ્ય નથી.તે કરવાજ જોઈએ.
યજ્ઞ, દાન અને તપ  ફળની ઈચ્છા રહિત કરવામાં આવે તો તે મનુષ્યને પવિત્ર બનાવે છે.(૫)

एतान्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च ।कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥१८-६॥

હે પાર્થ !  એ યજ્ઞાદિ કર્મો પણ સંગનો તથા ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ
એવો મારો નિશ્વિત અને ઉત્તમ અભિપ્રાય છે.(૬)

नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते ।मोहात्तस्य परित्यागस्तामसः परिकीर्तितः ॥१८-७॥

નિયત કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી.તેના મોહથી પરિત્યાગ કરવો તેને તામસ ત્યાગ કહેવાય છે.(૭)

दुःखमित्येव यत्कर्म कायक्लेशभयात्त्यजेत् ।स कृत्वा राजसं त्यागं नैव त्यागफलं लभेत् ॥१८-८॥

કર્મ દુઃખરૂપ છે, એમ માની શરીરના કલેશના ભયથી તેનો ત્યાગ કરવો તે રાજસ ત્યાગ કહેવાય છે.
એ રીતે રાજસ ત્યાગ કરીને તે પુરુષ ત્યાગના ફળને પામતો નથી.(૮)

कार्यमित्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन ।सङ्गं त्यक्त्वा फलं चैव स त्यागः सात्त्विको मतः ॥१८-९॥

હે અર્જુન આ કરવા યોગ્ય છે, એમ નિશ્વય કરીને સંગ તથા ફળનો ત્યાગ કરીને જે નિત્યકર્મ કરવામાં આવે છે તેને સાત્વિક ત્યાગ માનેલો છે.(૯)

न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषज्जते ।त्यागी सत्त्वसमाविष्टो मेधावी छिन्नसंशयः ॥१८-१०॥

સાત્વિક ત્યાગી સત્વગુણથી વ્યાપ્ત થયેલા આત્મજ્ઞાન વાળો થાય છે તથા સર્વ શંકાઓથી રહિત હોય તેવા અશુભ કર્મનો દ્વેષ કરતો નથી.વળી તે વિહિત કર્મમાં આશક્ત થતો નથી.(૧૦)

न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः ।यस्तु कर्मफलत्यागी स त्यागीत्यभिधीयते ॥१८-११॥

દેહધારી જીવાત્મા માટે સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરવો શક્ય નથી.માટે
જે કર્મફળ નો ત્યાગ કરનારો છે, તે ત્યાગી એ પ્રમાણે કહેવાય છે.(૧૧)

अनिष्टमिष्टं मिश्रं च त्रिविधं कर्मणः फलम् ।भवत्यत्यागिनां प्रेत्य न तु संन्यासिनां क्वचित् ॥१८-१२॥

કર્મફળના ત્યાગ ન કરનાર ને મૃત્યુ પછી કર્મનું અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ સંન્યાસીઓને કદી પણ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થતું નથી.(૧૨)

पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे ।सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ॥१८-१३॥

હે મહાબાહો ! કર્મની સમાપ્તિવાળા વેદાંત શાસ્ત્રમાં સર્વ કર્મોથી સિદ્ધિ માટે આ પાંચ સાધનો કહેવામાં આવ્યા
છે તે મારી પાસેથી સમજી લે.(૧૩)

अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम् ।विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥१८-१४॥

સુખદુઃખાદિનો આશ્રય કરનાર દેહ, જીવાત્મા, જુદી જુદી ઇન્દ્રિયો, પ્રાણપાનાદિ વાયુના નાના પ્રકારની
ક્રિયાઓ અને દૈવ (એટલેકે  વાયુ, સૂર્ય વગેરે ઇન્દ્રિયોના દેવતાઓ) આ પાંચ કારણો છે.(૧૪)

शरीरवाङ्‌मनोभिर्यत्कर्म प्रारभते नरः ।न्याय्यं वा विपरीतं वा पञ्चैते तस्य हेतवः ॥१८-१५॥

પુરુષ દેહ, મન અને વાણી વડે જે ધર્મરૂપ કે અધર્મ રૂપ પણ કર્મનો પ્રારંભ કરેછે,
તે સર્વ કર્મોના આ પાંચ કારણો છે.(૧૫)

तत्रैवं सति कर्तारमात्मानं केवलं तु यः ।पश्यत्यकृतबुद्धित्वान्न स पश्यति दुर्मतिः ॥१८-१६॥

તે સર્વ કર્મોમાં આ પ્રમાણે હોવા છતાં પણ જે શુદ્ધ આત્માને કર્તા માને છે, સમજે છે તે - દુર્મતિ,
અસંસ્કારી બુદ્ધિને લીધે વાસ્તવિક રીતે જોતો નથી.(૧૬) 

यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते ।हत्वापि स इमाँल्लोकान्न हन्ति न निबध्यते ॥१८-१७॥

હું આ કર્મ કરું છું.એ પ્રકારની જેને ભાવના નથી, જેની બુદ્ધિ લેપાતી નથી તે જ્ઞાનનિષ્ઠ આ પ્રાણીઓનો 
વધ કરી  નાખે તો પણ તે વધ કરતો નથી.અને તે વધના દોષથી બંધાતો નથી.(૧૭)  

ज्ञानं ज्ञेयं परिज्ञाता त्रिविधा कर्मचोदना ।करणं कर्म कर्तेति त्रिविधः कर्मसंग्रहः ॥१८-१८॥

જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણ પ્રકારના કર્મનો પ્રેરક છે અને કરણ (મન અને બુદ્ધિ સહિત દશ ઇન્દ્રિયો )
કર્મ અને કર્તા એ પ્રકારે ત્રણ પ્રકારનો કર્મનો આશ્રય છે.(૧૮)

ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः ।प्रोच्यते गुणसंख्याने यथावच्छृणु तान्यपि ॥१८-१९॥

સાંખ્યશાસ્ત્રમાં જ્ઞાન,કર્મ તથા કર્તા સત્વાદિ ત્રણ ગુણના ભેદથી ત્રણ પ્રકારના કહેવાય છે.
તે ભેદ ને યથાર્થ રીતે તું સાંભળ.(૧૯)

सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते ।अविभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥१८-२०॥

જે જ્ઞાનના યોગથી જીવ પરસ્પર ભેદવાળા સર્વ ભૂતોમાં અવિભક્ત એવા એક આત્મતત્વને જુએ છે 
તે જ્ઞાનને તું સાત્વિક જાણ.(૨૦) 

पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावान्पृथग्विधान् ।वेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥१८-२१॥

વળી પરસ્પર ભેદથી રહેલા સર્વ ભૂતોમાં એક બીજાથી ભિન્ન ઘણા આત્માઓને જે જ્ઞાન જાણે છે 
તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ.(૨૧)

यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् ।अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ॥१८-२२॥

વળી જે જ્ઞાન એક કર્મ માં પરિપૂર્ણ ની જેમ અભિનિવેશવાળું હેતુ વિનાનું તત્વાર્થ થી રહિત 
તથા અલ્પ વિષય વાળું છે તે જ્ઞાનને તામસ કહ્યું છે.(૨૨) 

नियतं सङ्गरहितमरागद्वेषतः कृतम् ।अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते ॥१८-२३॥

ફળની ઈચ્છા ન રાખતાં જે નિત્ય નૈમિત્તિક કર્મો, કર્તુત્વ ના અભિમાનના ત્યાગ પૂર્વક રાગ-દ્વેષ 
રહિત કરવામાં આવે છે તેને સાત્વિક કર્મ કહેવામાં આવે છે.(૨૩) 

यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः ।क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् ॥१८-२४॥

વળી સ્વર્ગાદિ ફળની કામનાવાળા તથા અહંકાર વાળા મનુષ્યો દ્વારા બહુ પરિશ્રમ વડે જે કરાય છે,
તે રાજસ કહ્યું છે.(૨૪)

अनुबन्धं क्षयं हिंसामनवेक्ष्य च पौरुषम् ।मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ॥१८-२५॥

જે કર્મ પરિણામ નો, હાનિનો, હિંસાનો તથા પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વગર અવિવેકથી 
આરંભ કરવામાં આવે છે તેને તામસ કર્મ કહે છે. (૨૫)

मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वितः ।सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते ॥१८-२६॥

ફળની ઈચ્છા વગરનો. ‘ હું કર્તા છું.’ એમ નહિ કહેનારો, ધૈર્ય તથા ઉત્સાહથી યુક્ત સિદ્ધિમાં અને અસિદ્ધિમાં 
વિકાર રહિત કર્મ કરનારો, સાત્વિક કહેવાય છે.(૨૬)

रागी कर्मफलप्रेप्सुर्लुब्धो हिंसात्मकोऽशुचिः ।हर्षशोकान्वितः कर्ता राजसः परिकीर्तितः ॥१८-२७॥

રાગી, કર્મફળની ઇચ્છાવાળો, લોભી,હિંસા કરવાવાળો,અપવિત્ર તથા હર્ષ-શોકવાળા કર્તાને રાજસ 
કહેવામાં આવે છે.(૨૭)   

अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोऽलसः ।विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते ॥१८-२८॥

અસ્થિર ચિત્તવાળો, અસંસ્કારી, ઉદ્ધત, શઠ, બીજાની આજીવિકાનો નાશ કરનાર, આળસુ,વિષાદ કરવાના 
સ્વભાવવાળો તથા કાર્યને લંબાવવાના સ્વભાવવાળો કર્તા તામસ કહેવાય છે.(૨૮)  

बुद्धेर्भेदं धृतेश्चैव गुणतस्त्रिविधं शृणु ।प्रोच्यमानमशेषेण पृथक्त्वेन धनंजय ॥१८-२९॥

હે ધનંજય ! બુદ્ધિના તેમજ ધૈર્યના સત્વાદિક ગુણોથી ત્રણ પ્રકારના ભેદને સંપૂર્ણ પણે જુદાં જુદા 
કહેવાય છે, તે તું સાંભળ.(૨૯)

प्रवृत्तिं च निवृत्तिं च कार्याकार्ये भयाभये ।बन्धं मोक्षं च या वेत्ति बुद्धिः सा पार्थ सात्त्विकी ॥१८-३०॥

હે પાર્થ ! જે બુદ્ધિ પ્રવૃતિને તથા નિવૃત્તિને તેમજ કાર્ય તથા અકાર્યને, ભય તથા અભયને, બંધન 
તથા મોક્ષને જાણે છે તે બુદ્ધિ સાત્વિક છે.(૩૦) 

यया धर्ममधर्मं च कार्यं चाकार्यमेव च ।अयथावत्प्रजानाति बुद्धिः सा पार्थ राजसी ॥१८-३१॥

હે પાર્થ ! જે બુદ્ધિ ધર્મને તથા અધર્મને, કાર્ય તેમજ અકાર્યને યથાર્થ રીતે નહિ જાણે તે બુદ્ધિ રાજસી છે.(૩૧) 

अधर्मं धर्ममिति या मन्यते तमसावृता ।सर्वार्थान्विपरीतांश्च बुद्धिः सा पार्थ तामसी ॥१८-३२॥

હે પાર્થ ! તમોગુણથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ છે એમ માને છે તથા સર્વ પદાર્થોને વિપરીત માને છે,
તે તામસી બુદ્ધિ છે.(૩૨)

धृत्या यया धारयते मनःप्राणेन्द्रियक्रियाः ।योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी ॥१८-३३॥

હે પાર્થ ! ચિત્તવૃતિના નિરોધરૂપ યોગથી કામનાઓ ચલિત નહિ થનારી ધીરજથી મન, પ્રાણ અને ઇન્દ્રિયોની 
ક્રિયાને ધારણ કરે છે. તે ધૈર્ય સાત્વિક કહેવાય છે.(૩૩) 

यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन ।प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थ राजसी ॥१८-३४॥

હે પાર્થ ! વળી પ્રસંગાનુસાર ફળની કામનાવાળો થઇ જે ધૈર્ય વડે ધર્મ, કામ અને અર્થને પ્રાપ્ત કરે છે તે 
ધૈર્ય રાજસી છે.(૩૪)

यया स्वप्नं भयं शोकं विषादं मदमेव च ।न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी ॥१८-३५॥

હે પાર્થ ! ભાગ્યહીન મનુષ્ય જે ધૈર્ય વડે સ્વપ્ન, ભય, વિષાદ તથા મદ ને પણ ત્યજતો નથી તે 
ધૈર્ય તામસી છે.(૩૫) 

सुखं त्विदानीं त्रिविधं शृणु मे भरतर्षभ ।अभ्यासाद्रमते यत्र दुःखान्तं च निगच्छति ॥१८-३६॥

હે ભરત શ્રેષ્ઠ ! હવે તું મારી પાસેથી ત્રણ પ્રકારનાં સુખને સાંભળ.જે સમાધિસુખમાં અભ્યાસથી રમણ 
કરે છે તથા દુઃખ ના અંત ને પામે છે.(૩૬) 

यत्तदग्रे विषमिव परिणामेऽमृतोपमम् ।तत्सुखं सात्त्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ॥१८-३७॥

જે તે સુખ આરંભમાં વિષ જેવું પરંતુ પરિણામમાં અમૃત જેવું હોય તથા પોતાની નિર્મળ બુદ્ધિથી 
ઉત્પન્ન થયેલું હોય તે સુખને સાત્વિક કહ્યું છે.(૩૭)

विषयेन्द्रियसंयोगाद्यत्तदग्रेऽमृतोपमम् ।परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ॥१८-३८॥

જે તે સુખ વિષય તથા ઇન્દ્રિયોના સંયોગ થી ઉપજેલું છે તે આરંભમાં અમૃત જેવું લાગે છે પણ પછી 
પરિણામમાં વિષ જેવું લાગે છે તે સુખ ને રાજસ કહ્યું છે.(૩૮)

यदग्रे चानुबन्धे च सुखं मोहनमात्मनः ।निद्रालस्यप्रमादोत्थं तत्तामसमुदाहृतम् ॥१८-३९॥

જે સુખઆરંભમાં તથા પરિણામે બુદ્ધિને મોહમાં નાખનારું, નિંદ્રા, આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થયેલું છે 
તે સુખ તામસ કહ્યું છે. (૩૯) 

न तदस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः ।सत्त्वं प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यात्त्रिभिर्गुणैः ॥१८-४०॥

પૃથ્વીમાં કે પાતાળમાં અથવા સ્વર્ગમાં દેવોને વિષે પણ એવું તે કંઈ વિદ્યમાન નથી કે જે પ્રાણી અથવા 
પદાર્થ પ્રકૃતિ થી ઉત્પન્ન થયેલા આ સત્વાદિ ત્રણ ગુણોથી રહિત હોય.(૪૦)  

ब्राह्मणक्षत्रियविशां शूद्राणां च परन्तप ।कर्माणि प्रविभक्तानि स्वभावप्रभवैर्गुणैः ॥१८-४१॥

હે પરંતપ ! બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય તથા શુદ્રોનાં કર્મોના પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે 
જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે.(૪૧)

शमो दमस्तपः शौचं क्षान्तिरार्जवमेव च ।ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्म स्वभावजम् ॥१८-४२॥

શમ, દમ, તપ,શૌચ, ક્ષમા, સરલતા તેમજ જ્ઞાન, વિજ્ઞાન,આસ્તિક્યપણું એ સ્વભાવ જન્ય બ્રાહ્મણોનાં 
કર્મ છે.(૪૨)  

शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम् ।दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥१८-४३॥

શૌર્ય, તેજ, ધીરજ, ચતુરાઈ અને યુદ્ધમાં પાછા ન હટવું, વળી દાન તથા ધર્મ અનુસાર પ્રજાપાલન 
એ ક્ષત્રીયનાં સ્વાભાવિક કર્મો છે. (૪૩)

कृषिगौरक्ष्यवाणिज्यं वैश्यकर्म स्वभावजम् ।परिचर्यात्मकं कर्म शूद्रस्यापि स्वभावजम् ॥१८-४४॥

ખેતી, ગૌરક્ષા અને વ્યાપાર એ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે.અને આ ત્રણે વર્ણ ની સેવારૂપ કર્મ શુદ્રનું 
સ્વાભાવિક કર્મ છે.(૪૪)  

स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः ।स्वकर्मनिरतः सिद्धिं यथा विन्दति तच्छृणु ॥१८-४५॥

પોતાના સ્વાભાવિક કર્મમાં નિરત રહેલો મનુષ્ય સત્વ શક્તિને પામે છે.પોતાના કર્મમાં તત્પર રહેલો
મનુષ્ય જે પ્રકારે મોક્ષની સિદ્ધિને પામે છે, તે તું સાંભળ.(૪૫)

यतः प्रवृत्तिर्भूतानां येन सर्वमिदं ततम् ।स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः ॥१८-४६॥

જેનાથી ભૂતોની ઉત્પતિ થાય છે તથા જેના વડે સર્વ વ્યાપ્ત થાય છે તેને પોતાના કર્મ વડે સંતુષ્ટ
કરીને મનુષ્ય સિદ્ધિને પામે છે.(૪૬)

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥१८-४७॥

સારી રીતે આચરેલા પરધર્મ કરતાં પોતાનો ગુણરહિત હોય તો પણ સ્વધર્મ શ્રેષ્ઠ છે.સ્વભાવજન્ય
શાસ્ત્રાનુસારકર્મ કરતો મનુષ્ય પાપને પામતો નથી.(૪૭)

सहजं कर्म कौन्तेय सदोषमपि न त्यजेत् ।सर्वारम्भा हि दोषेण धूमेनाग्निरिवावृताः ॥१८-४८॥

હે કાન્તેય  !  વર્ણાશ્રમ અનુસાર સ્વાભાવિક ઉદ્દભવેલું કર્મ દોષવાળું હોય તો પણ ન ત્યજવું.
કારણકે સર્વકર્મો ધુમાડાથી જેમ અગ્નિ ઢંકાયેલો રહે છે તેમ દોષ વડે ઢંકાયેલો રહે છે તેમ દોષ
વડે ઢંકાયેલાં રહે છે.(૪૮)

असक्तबुद्धिः सर्वत्र जितात्मा विगतस्पृहः ।नैष्कर्म्यसिद्धिं परमां संन्यासेनाधिगच्छति ॥१८-४९॥

સ્ત્રી-પુત્રાદિ સર્વ પદાર્થો વિષે આસક્તિ રહિત બુદ્ધિવાળો, અંત:કરણ ને વશ રાખનારો, વિષયો તરફ
સ્પૃહા વિનાનો પુરુષ સંન્યાસ વડે પરમ નૈકર્મ્ય સિદ્ધિને પામે છે.(૪૯)  

सिद्धिं प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे ।समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ॥१८-५०॥

હે કાન્તેય  ! નિષ્કર્મ્યરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરી વિદ્વાન પુરુષ જે પ્રકારે બ્રહ્મને પામે છે તે જ્ઞાનની પરમ
નિષ્ઠા  છે. તે સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ.(૫૦)

बुद्ध्या विशुद्ध्या युक्तो धृत्यात्मानं नियम्य च ।शब्दादीन्विषयांस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥१८-५१॥

શુદ્ધ બુદ્ધિ વડે યુક્ત પુરુષ સાત્વિક ધૈર્યથી આત્માને નિયમમાં રાખી, શબ્દાદિ વિષયોનો ત્યાગ કરીને તથા
રાગદ્વેષનો ત્યાગ કરી બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે.(૫૧)

विविक्तसेवी लघ्वाशी यतवाक्कायमानसः ।ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥१८-५२॥

એકાંત સેવનારો, અલ્પભોજન કરનારો, વાણી, દેહ તથા મનને વશમાં રાખનારો,દરરોજ ધ્યાન ધરનારો
એ વૈરાગ્યનો આશ્રય કરીને રહે છે.(૫૨)

अहंकारं बलं दर्पं कामं क्रोधं परिग्रहम् ।विमुच्य निर्ममः शान्तो ब्रह्मभूयाय कल्पते ॥१८-५३॥

તથા અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધ, પરિગ્રહ અને મમતા છોડીને શાંત રહે છે તે બ્રહ્મસાક્ષાત્કાર
માટે યોગ્ય બને છે.(૫૩)

ब्रह्मभूतः प्रसन्नात्मा न शोचति न काङ्क्षति ।समः सर्वेषु भूतेषु मद्भक्तिं लभते पराम् ॥१८-५४॥

બ્રહ્મરૂપ થયેલો પ્રસન્ન ચિત્તવાળો પદાર્થોનો શોક કરતો નથી. અપ્રાપ્ય પદાર્થની ઈચ્છા કરતો નથી.
સર્વ ભૂતોમાં સમભાવ રાખનારો એ મારી પરાભક્તિને પામે છે.(૫૪)

भक्त्या मामभिजानाति यावान्यश्चास्मि तत्त्वतः ।ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम् ॥१८-५५॥

ભક્તિ વડે હું ઉપાધિ ભેદોથી યુક્ત સ્વરૂપવાળો છું તે જે મને તત્વથી જાણે છે, તે ભક્તિ વડે મને તત્વથી જાણીને
ત્યાર પછી મારા સ્વરૂપમાં પ્રવેશ કરે છે.(૫૫)

सर्वकर्माण्यपि सदा कुर्वाणो मद्व्यपाश्रयः ।मत्प्रसादादवाप्नोति शाश्वतं पदमव्ययम् ॥१८-५६॥

સદા સર્વ કર્મો કરતો રહેવા છતાં પણ મારો શરણાગત ભક્ત મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને
પામે છે.(૫૬)

चेतसा सर्वकर्माणि मयि संन्यस्य मत्परः ।बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव ॥१८-५७॥

વિવેકબુદ્ધિ વડે સર્વ કામો મને સમર્પણ કરી - મારા પરાયણ થઇ બુદ્ધિયોગનો આશ્રય કરીને નિરંતર
મારા વિષે મનવાળો થા.(૫૭)

मच्चित्तः सर्वदुर्गाणि मत्प्रसादात्तरिष्यसि ।अथ चेत्त्वमहंकारान्न श्रोष्यसि विनङ्क्ष्यसि ॥१८-५८II

મારા વિષે ચિત્ત રાખવાથી, મારી કૃપાથી,તું સર્વ દુઃખોને તરી જઈશ. પરંતુ જો તું કદાચિત્ અહંકારથી
મને સાંભળશે નહિ તો નાશ પામશે.(૫૮)

यदहंकारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।मिथ्यैष व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोक्ष्यति ॥१८-५९॥

અહંકારનો આશ્રય કરીને હું યુદ્ધ ન કરું એમ જો તું માનતો હો તો તારો નિશ્વય મિથ્યા છે, કારણકે
તારો ક્ષત્રિય સ્વભાવ તને યુદ્ધમાં જોડશે.(૫૯)

स्वभावजेन कौन्तेय निबद्धः स्वेन कर्मणा ।कर्तुं नेच्छसि यन्मोहात्करिष्यस्यवशोऽपि तत् ॥१८-६०॥

હે અર્જુન ! સ્વભાવજન્ય પોતાના કર્મ વડે બંધાયેલો મોહવશ જે યુદ્ધ કરવાને તું ઈચ્છતો નથી તે પરવશ
થઈને પણ તું કરીશ.(૬૦)

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति ।भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया ॥१८-६१॥

હે અર્જુન ! ઈશ્વર યંત્રો પર બેસાડેલાં સર્વ ભૂતોને માયા વડે ભ્રમણ કરાવતાં સર્વ ભૂતોના હૃદયમાં રહે છે.(૬૧)

तमेव शरणं गच्छ सर्वभावेन भारत ।तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ॥१८-६२॥

હે ભારત  ! સર્વ પ્રકારે તે ઈશ્વરને જ શરણે તું જા જેની કૃપાથી તું પરમ શાંતિ તથા શાશ્વત સ્થાનને પામીશ.(૬૨)

इति ते ज्ञानमाख्यातं गुह्याद्‌गुह्यतरं मया ।विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु ॥१८-६३॥

એ પ્રમાણે મેં તને ગુહ્યથી અતિ ગુહ્ય ગીતાશાસ્ત્રરૂપી જ્ઞાન કહ્યું, એનો સંપૂર્ણપણે વિચાર કરીને જેમ તારી

ઈચ્છા હોય તેમ તું કર.(૬૩)

सर्वगुह्यतमं भूयः शृणु मे परमं वचः ।इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ॥१८-६४॥

ફરીથી સર્વથી અતિ ગુહ્ય પરમ વચનને તું સાંભળ, કેમ કે તું મને અતિપ્રિય છે. તેથી તને આ હિત કારક
વચનો કહું છું.(૬૪)

मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु ।मामेवैष्यसि सत्यं ते प्रतिजाने प्रियोऽसि मे ॥१८-६५॥

મારામાં જ મન રાખ, મારો ભક્ત થા, મારું પૂજન કર, મને નમસ્કાર કર, એમ કરવાથી તું મને પામીશ
એમ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કારણકે તું મને પ્રિય છે.(૬૫)

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज ।अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥१८-६६॥

સર્વ ધર્મોનો ત્યાગ કરીને તું મને એકને જ શરણે આવ,હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ.માટે તું શોક ન કર(૬૬)

इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥१८-६७॥

આ ગીતાનો ક્યારે પણ તપરહીતને, ભક્તિરહીતને, શુશ્રુષારહીતને તથા જે મારી અસૂયા કરે છે

તેવા મનુષ્યને ઉપદેશ કરવો નહિ.(૬૭)    

य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति ।भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्यसंशयः ॥१८-६८॥

જે આ પરમ ગુહ્યજ્ઞાનનો મારા ભક્તોને ઉપદેશ કરશે તે મારા વિષે પરમભક્તિ પ્રાપ્ત કરીને મને જ
પામશે,એમાં સંશય નથી.(૬૮)  
.
न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः ।भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि ॥१८-६९॥

વળી મનુષ્યોમાં તેનાથી બીજો કોઈ પણ મોટું અતિ પ્રિય કરનાર થવાનો નથી તથા પૃથ્વીમાં તેના
કરતાં બીજો વધારે પ્રિય પણ નથી.(૬૯)

अध्येष्यते च य इमं धर्म्यं संवादमावयोः ।ज्ञानयज्ञेन तेनाहमिष्टः स्यामिति मे मतिः ॥१८-७०॥

તથા જે આપણા બે ના આ ધર્મયુક્ત સંવાદનું અધ્યયન કરશે, તેનાથી જ્ઞાનયજ્ઞ વડે હું પૂજાઈશ
એવો મારો મત છે.(૭૦)

श्रद्धावाननसूयश्च शृणुयादपि यो नरः ।सोऽपि मुक्तः शुभाँल्लोकान्प्राप्नुयात्पुण्यकर्मणाम् ॥१८-७१॥

જે પુરુષ શ્રદ્ધાવાન તથા  ઈર્ષ્યા વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ કરે છે તે પણ મુક્ત થઈને
પુણ્યકર્મ કરનારાને પ્રાપ્ત થતાં શુભ લોકોને પામે છે.(૭૧)

कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा ।कच्चिदज्ञानसंमोहः प्रनष्टस्ते धनंजय ॥१८-७२॥

હે પાર્થ ! તેં આ ગીતાશાસ્ત્ર એકાગ્ર ચિત્તથી સાંભળ્યું કે ? હે ધનંજય ! તારો અજ્ઞાન થી ઉત્પન્ન
થયેલો મોહ નાશ પામ્યો કે ? (૭૨)

नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत ।स्थितोऽस्मि गतसन्देहः करिष्ये वचनं तव ॥१८-७३॥

અર્જુન કહે : હે અચ્યુત ! આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે. મેં આત્મજ્ઞાનરૂપી સ્મૃતિ પ્રાપ્ત કરી છે.
સંશયરહિત થઇ હું આપનું વચન પાળીશ.(૭૩)  

इत्यहं वासुदेवस्य पार्थस्य च महात्मनः ।संवादमिममश्रौषमद्भुतं रोमहर्षणम् ॥१८-७४॥

સંજય કહે : એ પ્રમાણે ભગવાન વાસુદેવનો તથા મહાત્મા અર્જુનનો અદ્દભુત અને રોમાંચિત કરે
તેવો સંવાદ મેં સાંભળ્યો.(૭૪)

व्यासप्रसादाच्छ्रुतवानेतद्गुह्यमहं परम् ।योगं योगेश्वरात्कृष्णात्साक्षात्कथयतः स्वयम् ॥१८-७५॥

વ્યાસ ભગવાનની કૃપાથી આ પરમ ગુહ્ય યોગને  યોગેશ્વર શ્રી કૃષ્ણે સ્વયં કહ્યો તે મેં સાક્ષાત સાંભળ્યો.(૭૫)

राजन्संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् ।केशवार्जुनयोः पुण्यं हृष्यामि च मुहुर्मुहुः ॥१८-७६॥

હે રાજન ! શ્રી કૃષ્ણ અને અર્જુનના આ પવિત્ર તથા અદ્દભુત સંવાદ ને સંભારી સંભારી ને  વારંવાર
હું હર્ષ પામું છું.(૭૬)

तच्च संस्मृत्य संस्मृत्य रूपमत्यद्भुतं हरेः ।विस्मयो मे महान् राजन्हृष्यामि च पुनः पुनः ॥१८-७७॥

હે રાજન ! વળી ભગવાન શ્રી કૃષ્ણના તે અતિ અદ્દભુત વિશ્વરૂપને સંભારી સંભારીને મને વિસ્મય થાય છે ને
હું વારંવાર હર્ષ પામું છું.(૭૭)  

यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥१८-७८॥

જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી,વિજય, ભૂતિ, ઐશ્વર્ય અને
નિશ્વલ નીતિ સર્વદા વાસ કરે છે એવો મારો મત છે.(૭૮)


અધ્યાય ૧૮ - મોક્ષ-સંન્યાસ-યોગ - સમાપ્ત


શ્રીમદ ભગવદગીતા - સમાપ્ત.

No comments