Latest

અધ્યાય ૧૧ - વિશ્વરૂપ-દર્શન-યોગ

मदनुग्रहाय परमं गुह्यमध्यात्मसंज्ञितम् ।यत्त्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥११-१॥

અર્જુન કહે હે : ભગવાન ! મારા પર કૃપા કરવા આપે અધ્યાત્મ તત્વનો અતિ ગુહ્ય તથા 
ભ્રમનાશક જે ઉપદેશ આપ્યો તેનાથી મારા સર્વ મોહનો લોપ થયો છે.(૧)

भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥११-२॥

હે કમળ નયન ! આપની પાસેથી મેં ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારથી સાંભળ્યા છે 
તથા આપનો અવિનાશી પ્રભાવ પણ સાંભળ્યો છે.(૨)

एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वर ।द्रष्टुमिच्छामि ते रूपमैश्वरं पुरुषोत्तम ॥११-३॥

હે પરમેશ્વર ! આપના સ્વરૂપનું જેવું આપે વર્ણન કર્યું છે તે યથાર્થ જ છે.
પરંતુ હે પુરુષોત્તમ !હું આપનું ઈશ્વરી રૂપ જોવા ઈચ્છું છું.(૩)

मन्यसे यदि तच्छक्यं मया द्रष्टुमिति प्रभो ।योगेश्वर ततो मे त्वं दर्शयात्मानमव्ययम् ॥११-४॥

હે પ્રભો ! તે સ્વરૂપ મારાથી જોઈ શકાય તેમ હોય, એમ આપ માનતા હો તો 
હે યોગેશ્વર ! તે અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો.(૪) 

पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः ।नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ॥११-५॥

શ્રી ભગવાન બોલ્યા : હે પાર્થ ! અનેક પ્રકારનાં, અનેક વર્ણ અને અનેક આકાર નાં 
મારા સેંકડો અને હજારો નાના પ્રકાર નાં દિવ્ય રૂપોને નિહાળ.(૫) 

पश्यादित्यान्वसून्रुद्रानश्विनौ मरुतस्तथा ।बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि भारत ॥११-६॥

હે ભારત ! આદિત્યોને, વસુઓને, રુદ્રોને, અશ્વિનીકુમાંરોને તથા મરુતોને તું નીહાળ 
વળી પૂર્વે ન જોયેલંl એવા ઘણા આશ્વર્યોને તું જો.(૬)  

इहैकस्थं जगत्कृत्स्नं पश्याद्य सचराचरम् ।मम देहे गुडाकेश यच्चान्यद् द्रष्टुमिच्छसि ॥११-७॥

હે ગુડાકેશ ! અહી મારા દેહમાં એકજ સ્થળે રહેલા સ્થાવર-જંગમ સહિત સમગ્ર જગતને આજે તું જો.
અને બીજું જે કંઈ જોવા ઈચ્છતો હોય તે પણ જો.(૭)

न तु मां शक्यसे द्रष्टुमनेनैव स्वचक्षुषा ।दिव्यं ददामि ते चक्षुः पश्य मे योगमैश्वरम् ॥११-८॥

પરંતુ તારાં આ ચર્મચક્ષુ વડે તું મને નિહાળી શકીશ નહિ.
તે માટે હું તને દિવ્ય દ્રષ્ટિ આપુછું ,મારા અલૈlકિક સામર્થ્યને તું જો.(૮)

एवमुक्त्वा ततो राजन्महायोगेश्वरो हरिः ।दर्शयामास पार्थाय परमं रूपमैश्वरम् ॥११-९॥

સંજય કહે : હે રાજન ! મહાયોગેશ્વર નારાયણે એ પ્રમાણે અર્જુનને કહ્યું.
પછી તેને પોતાનું દિવ્ય પરમ ઐશ્વર્યરૂપ વિરાટ સ્વરૂપ બતાવ્યું.(૯)

अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् ।अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ॥११-१०॥

અનેક મુખ તથા આંખોવાળું, અનેક અદભુત દર્શનવાળું, અનેક દિવ્ય આભુષણવાળું
અને અનેક ઉગામેલા દિવ્ય આયુધોવાળું એ સ્વરૂપ હતું.(૧૦)

दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनम् ।सर्वाश्चर्यमयं देवमनन्तं विश्वतोमुखम् ॥११-११॥

દિવ્ય-માળા અને વસ્ત્રો ધારણ કરેલું, દિવ્ય સુગંધી દ્રવ્યોથી લેપન કરેલું,
સર્વ આશ્વર્યમય પ્રકાશરૂપ,અનંત અને સર્વ બાજુ મુખ વાળું તે સ્વરૂપ અર્જુને જોયું.(૧૧)  

दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता ।यदि भाः सदृशी सा स्याद्भासस्तस्य महात्मनः ॥११-१२॥

આકાશમાં એક સાથે હજારો સૂર્યોનું તેજ પ્રકાશી ઊઠે તો પણ 
તે વિશ્વસ્વરૂપ પરમાત્માના તેજની તોલે કદાચ જ આવે.(૧૨) 

तत्रैकस्थं जगत्कृत्स्नं प्रविभक्तमनेकधा ।अपश्यद्देवदेवस्य शरीरे पाण्डवस्तदा ॥११-१३॥

તે સમયે અર્જુને દેવાધિદેવ શ્રી કૃષ્ણના દિવ્ય સ્વરૂપમાં અનેક વિભાગોમાં વિભક્ત થયેલું 
સર્વ જગત સ્થિત થયેલું જોયું.(૧૩)

ततः स विस्मयाविष्टो हृष्टरोमा धनंजयः ।प्रणम्य शिरसा देवं कृताञ्जलिरभाषत ॥११-१४॥

ત્યાર પછી આશ્વર્યચકિત અને રોમાંચિત થયેલો ધનંજય ભગવાન શ્રી હરિને પ્રણામ કરી,
બે હાથ જોડી કહેવા લાગ્યો.(૧૪)  

पश्यामि देवांस्तव देव देहे सर्वांस्तथा भूतविशेषसंघान् ।ब्रह्माणमीशं कमलासनस्थमृषींश्च सर्वानुरगांश्च दिव्यान् ॥११-१५II

અર્જુન બોલ્યો : હે ભગવાન ! આપના દેહમાં હું સર્વ દેવોને, ભિન્ન ભિન્ન ભૂતોના સમુદાયને, કમળ પર બિરાજમાન  સર્વના નિયંતા બ્રહ્માજીને, સર્વ ઋષિઓને તેમજ દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું.(૧૫)  

अनेकबाहूदरवक्त्रनेत्रं पश्यामि त्वां सर्वतोऽनन्तरूपम् ।नान्तं न मध्यं न पुनस्तवादिं पश्यामि विश्वेश्वर विश्वरूप ॥११-१६॥

હે વિશ્વેશ્વર ! હે વિશ્વરૂપ ! આપના અગણિત બાહુ, ઉદરો, મુખો અને નેત્રો દેખાઈ રહ્યા છે. એથી સર્વ બાજુ હું આપને અનંત રૂપવાળા જોઉં છું, વળી આપનો આદિ, મધ્ય કે અંત ક્યાંય દેખાતો નથી.(૧૬)  

किरीटिनं गदिनं चक्रिणं च तेजोराशिं सर्वतो दीप्तिमन्तम् ।पश्यामि त्वां दुर्निरीक्ष्यं समन्ताद्दीप्तानलार्कद्युतिमप्रमेयम् ॥११-१७॥

હે પરમેશ્વર ! મુકુટ યુક્ત, હસ્તમાં ગદા અને ચક્ર ધારણ કરેલા, તેજ ના સમૂહ રૂપ સર્વ બાજુથી પ્રકાશિત, મુશ્કેલીથી નિહાળી શકાય તેવા, પ્રજ્જવલિત અગ્નિ તથા સૂર્યની ક્રાંતિ સમાન, નિશ્વિત કરવાને અશક્ય એવા આપને હું સર્વ તરફથી નિહાળી રહ્યો છું.(૧૭)     

त्वमक्षरं परमं वेदितव्यं त्वमस्य विश्वस्य परं निधानम् ।त्वमव्ययः शाश्वतधर्मगोप्ता सनातनस्त्वं पुरुषो मतो मे ॥११-१८॥

હે પરમેશ્વર ! આપ જાણવા યોગ્ય પરમ અક્ષર છો, આપ આ વિશ્વના પરમ આશ્રય છો. આપ અવિનાશી છો.
આપ સનાતન ધર્મ ના રક્ષક છો. આપ પુરાણપુરુષ છો એમ હું માનું છું.(૧૮)

अनादिमध्यान्तमनन्तवीर्यमनन्तबाहुं शशिसूर्यनेत्रम् ।पश्यामि त्वां दीप्तहुताशवक्त्रं स्वतेजसा विश्वमिदं तपन्तम् ॥११-१९॥

હે વિભુ ! આપનો આદિ, મધ્ય કે અંત નથી, આપ અનંત શક્તિવાળા, અનંત બાહુ વાળા, ચંદ્રસૂર્યરૂપી નેત્રોવાળા, મુખમાં પ્રજ્જવલિત અગ્નિવાળા, પોતાના પરમ તેજથી વિશ્વને તપાવનારા 
આપને હું જોઈ રહ્યો છું.(૧૯)        

द्यावापृथिव्योरिदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः ।दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यथितं महात्मन् ॥११-२०॥

હે મહાત્મન ! આપ એકલા એ  જ આકાશ અને પૃથ્વીનું સઘળું અંતર વ્યાપ્ત કર્યું છે. તથા સર્વ દિશાઓ  આપનાથી વ્યાપ્ત દેખાય છે. આપના અદભુત અને અતિ ઉગ્રરૂપને જોઇને 
ત્રણેલોક  અત્યંત ભયભીત બની ગયંl   છે.(૨૦)

अमी हि त्वां सुरसंघा विशन्ति केचिद्भीताः प्राञ्जलयो गृणन्ति ।स्वस्तीत्युक्त्वा महर्षिसिद्धसंघाः स्तुवन्ति त्वां स्तुतिभिः पुष्कलाभिः ॥११-२१॥

આ દેવોનો સમૂહ આપનામાં જ પ્રવેશે છે.કેટલાક ભયભીત થઈને બે હાથ જોડી આપની સ્તુતિ કરે છે.
મહર્ષિ અને સિદ્ધોનો સમૂહ ” કલ્યાણ થાઓ ” એમ બોલીને પરિપૂર્ણ અર્થ બોધ કરનારા સ્તુતિ વચનો વડે આપની સ્તુતિ કરે છે.(૨૧)

रुद्रादित्या वसवो ये च साध्या विश्वेऽश्विनौ मरुतश्चोष्मपाश्च ।गन्धर्वयक्षासुरसिद्धसंघा वीक्षन्ते त्वां विस्मिताश्चैव सर्वे ॥११-२२॥

હે વિભુ ! રુદ્ર, આદિત્યો, વસુઓ, સાધ્ય દેવો, વિશ્વદેવો, અશ્વિનીકુમારો,મરુતો, પિતૃઓ, ગંધર્વ, યક્ષ, અસુર,
સિદ્ધોનો સમૂહ વગેરે સર્વ વિસ્મ્સ્ય થયેલા આપને જોઈ રહ્યા છે.(૨૨)

रूपं महत्ते बहुवक्त्रनेत्रं महाबाहो बहुबाहूरुपादम् ।बहूदरं बहुदंष्ट्राकरालं दृष्ट्वा लोकाः प्रव्यथितास्तथाहम् ॥११-२३॥

હે મહાબાહો ! બહુ મુખ તથા નેત્રવાળા, ઘણા હાથ -પગવાળા, ઘણા ઉદર વાળા, ઘણી વિકરાળ દાઢોવાળા 
આપના આ વિશાળ રૂપને જોઇને લોકો ભય પામી રહ્યા છે તેમજ હું પણ વ્યથિત થઇ રહ્યો છું.(૨૩)   

नभःस्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रम् ।दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि शमं च विष्णो ॥११-२४॥

હે વિષ્ણુ ! આકાશને સ્પર્શ કરતા, પ્રજ્જવલિત અનેક વર્ણવાળા, ઉઘાડા મુખવાળા, વિશાળ 
તેજસ્વી આંખોવાળા આપને નિહાળી ને નિશ્વય થી મારો અંતરાત્મા વ્યાકુળ થઇ રહ્યો છે. આથી મારું મન  ધીરજ ન ધરવા થી હું શાંતિ ને પામી શકતો નથી.(૨૪)     

दंष्ट्राकरालानि च ते मुखानि दृष्ट्वैव कालानलसन्निभानि ।दिशो न जाने न लभे च शर्म प्रसीद देवेश जगन्निवास ॥११-२५॥

હે દેવેશ ! આપની વિકરાળ દાઢોવાળા, પ્રલયકાળ ના અગ્નિ સમાન આપના મુખો જોઈને હું દિશાઓને પણ સમજી શકતો નથી તથા મને સુખ મળતું નથી. હે જગનિવાસ ! આપ મારા પર પ્રસન્ન થાઓ.(૨૫)

अमी च त्वां धृतराष्ट्रस्य पुत्राः सर्वे सहैवावनिपालसंघैः ।भीष्मो द्रोणः सूतपुत्रस्तथासौ सहास्मदीयैरपि योधमुख्यैः ॥११-२६॥

હે વિભો ! રાજાઓના સમૂહ સહીત ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રો આપનામાં પ્રવેશ કરી રહ્યા છે.ભીષ્મ, દ્રોણાચાર્ય, સુતપુત્ર કર્ણ, અને અમારા સંબંધરૂપ અનેક પ્રમુખ યોદ્ધાઓ.(૨૬)

वक्त्राणि ते त्वरमाणा विशन्ति दंष्ट्राकरालानि भयानकानि ।केचिद्विलग्ना दशनान्तरेषु संदृश्यन्ते चूर्णितैरुत्तमाङ्गैः ॥११-२७॥

વિકરાળ દાઢોવાળા આપના ભયાનક મુખોમાં વેગપૂર્વક પ્રવેશી રહ્યા છે. કેટલાક યોદ્ધાઓ ચૂર્ણ થયેલાં મસ્તકો સહિત આપના દાંતોની વચ્ચે વળગેલા છે.(૨૭)

यथा नदीनां बहवोऽम्बुवेगाः समुद्रमेवाभिमुखा द्रवन्ति ।तथा तवामी नरलोकवीरा विशन्ति वक्त्राण्यभिविज्वलन्ति ॥११-२८॥

જેમ નદીઓના ઘણા જળપ્રવાહો સાગર તરફ વહેતાં વહેતાં સાગરમાં સમાઈ જાય છે,
તેમ આ લોક નાયકો આપના પ્રકાશમાન મુખોમાં પ્રવેશ કરે છે.(૨૮)

यथा प्रदीप्तं ज्वलनं पतङ्गा विशन्ति नाशाय समृद्धवेगाः ।तथैव नाशाय विशन्ति लोकास्तवापि वक्त्राणि समृद्धवेगाः ॥११-२९॥

જેમ પ્રજ્જવલિત અગ્નિમાં નાશ પામવા માટે પતંગિયાં વેગપૂર્વક પ્રવેશ કરી જાય છે,તેમ આ સર્વ લોકો પણ અત્યંત વેગવાળા થઈને નાશ પામવા માટે જ આપના પ્રજ્જવલિત મુખમાં પ્રવેશ કરતા જાય છે.(૨૯)

लेलिह्यसे ग्रसमानः समन्ताल्लोकान्समग्रान्वदनैर्ज्वलद्भिः ।तेजोभिरापूर्य जगत्समग्रं भासस्तवोग्राः प्रतपन्ति विष्णो ॥११-३०॥

હે વિષ્ણુ ! આપના પ્રજ્જવલિત મુખો વડે સમગ્ર લોકોને ગળી જવાના હો તેમ આપ ચારે બાજુથી ચાટી રહ્યા છો.આપનું અતિ ઉગ્ર તેજ સંપૂર્ણ જગતને સંતાપી રહ્યું છે.(૩૦)

आख्याहि मे को भवानुग्ररूपो नमोऽस्तु ते देववर प्रसीद ।विज्ञातुमिच्छामि भवन्तमाद्यं न हि प्रजानामि तव प्रवृत्तिम् ॥११-३१॥

હે દેવશ્રેષ્ઠ ! આવા અતિ ઉગ્ર સ્વરૂપવાળા આપ કોણ છો ! આપ પ્રસન્ન થાઓ. હું આપને નમસ્કાર કરું છું.સર્વના આદ્ય રૂપ આપને હું જાણવાની ઈચ્છા રાખું છું.કેમકે આપની ગુઢ ચેષ્ટાઓને હું જાણતો નથી.(૩૧)

कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृत्तः ।ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिताः प्रत्यनीकेषु योधाः ॥११-३२॥

શ્રી ભગવાન બોલ્યા : લોકોનો સંહાર કરનારો, અત્યંત વૃદ્ધિ પામેલો મહાન કાળ હું છું,હાલ આ લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત થયો છું, પ્રતિપક્ષીઓની સેનામાં જે યોદ્ધાઓ ઉભા છે
તે તારા વગર પણ જીવંત રહેવાના નથી.(૩૨)  

तस्मात्त्वमुत्तिष्ठ यशो लभस्व जित्वा शत्रून् भुङ्क्ष्व राज्यं समृद्धम् ।मयैवैते निहताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन् ॥११-३३॥

હે સર્વસાચિ  ! માટે તું યુદ્ધ કરવા ઉભો થઇ જા. શત્રુઓને જીતીને યશ મેળવ અને ઐશ્વર્યસંપન્ન રાજ્ય ભોગાવ.
તારા આ શત્રુઓ ખરેખર તો મેં પહેલેથી જ મારી નાખ્યા છે. તું કેવળ નિમિત્તરૂપ બન.(૩૩)

द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तथान्यानपि योधवीरान् ।मया हतांस्त्वं जहि मा व्यथिष्ठा युध्यस्व जेतासि रणे सपत्नान् ॥११-३४॥

દ્રોણને તથા ભીષ્મને, જયદ્રથને તથા કર્ણને અને બીજા મહારથી યોદ્ધાઓને મેં હણેલા જ છે તેમને તું હણ. ભયને લીધે તું વ્યથિત ન થા. હે પાર્થ ! તું યુદ્ધ કર.રણમાં દુશ્મનો પર તું અવશ્ય વિજય મેળવીશ.(૩૪)  

एतच्छ्रुत्वा  वचनं केशवस्य कृताञ्जलिर्वेपमानः किरीटी ।नमस्कृत्वा भूय एवाह कृष्णं सगद्गदं भीतभीतः प्रणम्य ॥११-३५॥

સંજય કહે : ભગવાન કેશવના આ વચનો સાંભળી, બે હાથ જોડી, સંભ્રમથી કંપતો, મનમાં અત્યંત ભયભીત થતો અર્જુન નમસ્કાર કરી અત્યંત નમ્ર અને ગદ્દ ગદ્દ કંઠે ફરીથી
ભગવાન શ્રી કૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યો.(૩૫)  

स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्प्रहृष्यत्यनुरज्यते च ।रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥११-३६॥

અર્જુન કહે : હે ઋષિકેશ ! આપના શ્રવણ અને કીર્તનથી જગત હર્ષ પામે છે અને અનુરાગ પામે છે.રાક્ષસો ભય પામીને સર્વ દિશાઓમાં નાસે છે અને બધા સિદ્ધો ના સમૂહ આપને નમસ્કાર કરે છે તે યોગ્ય છે.(૩૬)

कस्माच्च ते न नमेरन्महात्मन् गरीयसे ब्रह्मणोऽप्यादिकर्त्रे ।अनन्त देवेश जगन्निवास त्वमक्षरं सदसत्तत्परं यत् ॥११-३७॥

હે મહાત્મન ! હે અનંત ! હે દેવેશ ! હે જગનિવાસ  ! બ્રહ્મના પણ આપ ગુરુરૂપ છો.
આદિકર્તા તે સર્વ આપને શા માટે નમસ્કાર ન કરે ?
આપ સત્ છો, આપ અસત્ છો. આપ તેનાથી ય પર છો. અક્ષર બ્રહ્મ પણ આપ જ છો.(૩૭)

त्वमादिदेवः पुरुषः पुराणस्त्वमस्य विश्वस्य परं निधानम् ।वेत्तासि वेद्यं च परं च धाम त्वया ततं विश्वमनन्तरूप ॥११-३८॥
હે અનંતરૂપ ! હે આદિદેવ ! આપ જ પુરાણપુરુષ  છો.આપ આ વિશ્વના લયસ્થાન રૂપ છો.આપ જ્ઞાતા છો, અને જ્ઞેય છો અને આપ જ પરમ ધામ છો.(૩૮)

वायुर्यमोऽग्निर्वरुणः शशाङ्कः प्रजापतिस्त्वं प्रपितामहश्च ।नमो नमस्तेऽस्तु सहस्रकृत्वः पुनश्च भूयोऽपि नमो नमस्ते ॥११-३९॥

વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્ર, કશ્ય પાદિ પ્રજાપતિ અને બ્રહ્મદેવના જનક પણ આપ જ છો.આપને હજારો વાર નમસ્કાર હો.અને વારંવાર નમસ્કાર હો.(૩૯)

नमः पुरस्तादथ पृष्ठतस्ते नमोऽस्तु ते सर्वत एव सर्व ।अनन्तवीर्यामितविक्रमस्त्वं सर्वं समाप्नोषि ततोऽसि सर्वः ॥११-४०॥

હે સર્વરૂપ પરમેશ્વર ! આપને સામેથી, પાછળથી, સર્વ તરફથી નમસ્કાર હો.આપના બળ અને પરાક્રમ અપાર છે. આપનાથી  આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે.તો પછી આપ જ સર્વ સ્વરૂપ છો.(૪૦)

सखेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सखेति ।अजानता महिमानं तवेदं मया प्रमादात्प्रणयेन वापि ॥११-४१॥

હે વિભુ ! આપના આ મહિમાને ન જાણનારા મેં, આપ મારા મિત્ર છો એમ માની ને ચિત્તની ચંચળતાથી અથવા પ્રેમવશ હે કૃષ્ણ ! હે યાદવ ! હે સખા ! એ પ્રમાણે હઠપૂર્વક જે કંઈ કહ્યું હોય તે સર્વ પાપ મને ક્ષમા કરો.(૪૧)

यच्चावहासार्थमसत्कृतोऽसि विहारशय्यासनभोजनेषु ।एकोऽथवाप्यच्युत तत्समक्षं तत्क्षामये त्वामहमप्रमेयम् ॥११-४२॥

હે અચુય્ત ! પરિહાસથી, વિહારમાં, સૂતાં, બેસતાં, ખાતાં-પીતાં, એકલા અથવા કદાચિત મિત્રોની સમક્ષ વિનોદાર્થે મેં આપનું જે કંઈ અપમાન કર્યું હોય તે બધા માટે અચિંત્ય પ્રભાવવાળા આપ મને ક્ષમા કરો.(૪૧)

पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् ।न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव ॥११-४३॥

હે અનુપમ પ્રભાવ વાળા ! આપ આ ચરાચર જગત ના પિતા છો, પૂજ્ય પરમગુરુ છો. અધિક ગૌરવ વાળા છો. ત્રણે લોકમાં આપના સમાન બીજો કોઈ નથી.તો આપના થી અધિક તો ક્યાંથી હોય ? (૪૩)

तस्मात्प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहमीशमीड्यम् ।पितेव पुत्रस्य सखेव सख्युः प्रियः प्रियायार्हसि देव सोढुम् ॥११-४४॥

એટલા માટે હે ભગવન્  ! હું સાષ્ટાંગ પ્રણામ કરી ને સ્તુતિ કરવા યોગ્ય અને સમર્થ એવા આપને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરું છું.જેમ પિતા પુત્રના અપરાધ, મિત્ર મિત્રના અપરાધ અને પુરુષ પોતાની પ્રિયાના અપરાધ સહન કરે છે, તેમ આપ મારા અપરાધ સહન કરવા યોગ્ય છો.(૪૪)  

अदृष्टपूर्वं हृषितोऽस्मि दृष्ट्वा भयेन च प्रव्यथितं मनो मे ।तदेव मे दर्शय देव रूपं प्रसीद देवेश जगन्निवास ॥११-४५॥

હે દેવેશ ! હે જગ નિવાસ ! પહેલાં કદી ન જોયેલાં એવા આપના દિવ્ય વિશ્વરૂપને જોઈને મને હર્ષ થયો છે અને ભયથી મારું ચિત્ત અતિ વ્યાકુળ થયું છે. માટે હે દેવ આપ પ્રસન્ન થાઓ અને મને આપનું પહેલાં નું મનુષ્ય સ્વરૂપ દેખાડો.(૪૫)

किरीटिनं गदिनं चक्रहस्तमिच्छामि त्वां द्रष्टुमहं तथैव ।तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भव विश्वमूर्ते ॥११-४६॥

હે હજારભુજાવાળા ! હે વિશ્વમૂર્તિ  ! આપને મુકુટધારી, હાથમાં ગદા- ચક્ર  ધારણ કરેલા જોવાની મારી ઈચ્છા છે.  માટે આપ પહેલાં ની જેમ ચતુર્ભુજ સ્વરૂપ વાળા થવાની કૃપા કરો.(૪૬)

मया प्रसन्नेन तवार्जुनेदं रूपं परं दर्शितमात्मयोगात् ।तेजोमयं विश्वमनन्तमाद्यं यन्मे त्वदन्येन न दृष्टपूर्वम् ॥११-४७॥

શ્રી ભગવાન કહે : હે અર્જુન ! તારા  પર  પ્રસન્ન થઈને  મેં મારા આત્મયોગના સામર્થ્ય થી તને મારું આ પરમ તેજોમય, સમસ્ત, વિશ્વરૂપ , અનંત, અનાદિ એવું આ શ્રેષ્ઠરૂપ દેખાડ્યું છે.
મારું આ રૂપ પહેલાં કોઈએ નિહાળ્યું નથી .(૪૭)

न वेदयज्ञाध्ययनैर्न दानैर्न च क्रियाभिर्न तपोभिरुग्रैः ।एवंरूपः शक्य अहं नृलोके द्रष्टुं त्वदन्येन कुरुप्रवीर ॥११-४८॥

હે કુરુશ્રેષ્ઠ ! વેદોના તથા યજ્ઞોના પ્રભાવથી, દાન વડે, ક્રિયા કર્મ વડે  અથવા ઉગ્ર તપસ્યા વડે મારું આ વિશ્વરૂપ આ મનુષ્યલોકમાં કોઈને મેં કદી પણ દેખાડ્યું નથી.કેવળ તું જ આ સ્વરૂપ જોઈ શક્યો.(૪૮)

मा ते व्यथा मा च विमूढभावो दृष्ट्वा रूपं घोरमीदृङ्ममेदम् ।व्यपेतभीः प्रीतमनाः पुनस्त्वं तदेव मे रूपमिदं प्रपश्य ॥११-४९॥

મારા આ પ્રકારના આ ધોર સ્વરૂપને જોઈને તું વ્યથિત ન થા.અને વ્યાકુળ પણ ન થા.તું ફરી ભય રહિત અને પ્રસન્ન ચિત્તવાળો થઈને મારું પહેલાંનું જ ચતુર્ભુજ સ્વરૂપ નીહાળ.(૪૯)

इत्यर्जुनं वासुदेवस्तथोक्त्वा स्वकं रूपं दर्शयामास भूयः ।आश्वासयामास च भीतमेनं भूत्वा पुनः सौम्यवपुर्महात्मा ॥११-५०॥

સંજય કહે : આમ વાસુદેવ પોતાના પરમ ભક્ત અર્જુનને આ પ્રમાણે કહીને
ફરી પોતાનું પૂર્વે હતું તે શરીર ધારણ કરી બતાવ્યું.
આમ સૌમ્ય દેહવાળા ભગવાને પોતાના ભય પામેલા ભક્ત અર્જુનને આશ્વાસન આપ્યું.(૫૦)

दृष्ट्वेदं मानुषं रूपं तव सौम्यं जनार्दन ।इदानीमस्मि संवृत्तः सचेताः प्रकृतिं गतः ॥११-५१॥

અર્જુન કહે : હે જનાર્દન ! આપના આ સૌમ્ય મનુષ્યરૂપ ને જોઈને હવે હું પ્રસન્ન ચિત્તવાળો થયો છું તથા મારું મન પહેલાં જેવું સ્વસ્થ બની ગયું છે.(૫૧)

सुदुर्दर्शमिदं रूपं दृष्टवानसि यन्मम ।देवा अप्यस्य रूपस्य नित्यं दर्शनकाङ्क्षिणः ॥११-५२II

શ્રી ભગવાન કહે : મારું જે  વિરાટ સ્વરૂપ તેં હમણાં જોયું તે રૂપ જોવાનું અત્યંત દુર્લભ છે. દેવો પણ નિરંતર આ રૂપનાં દર્શન કરવાની ઈચ્છા રાખે છે.(૫૨)

नाहं वेदैर्न तपसा न दानेन न चेज्यया ।शक्य एवंविधो द्रष्टुं दृष्टवानसि मां यथा ॥११-५३॥

તેં જે સ્વરૂપ વાળો હમણાં મને  જોયો તે સ્વરૂપવાળો હું વેદ્શાસ્ત્રના અધ્યયનથી, ચન્દ્રાયણાદિ તાપથી, દાનથી અને યજ્ઞો થી પણ શક્ય નથી.(૫૩)  

भक्त्या त्वनन्यया शक्य अहमेवंविधोऽर्जुन ।ज्ञातुं द्रष्टुं च तत्त्वेन प्रवेष्टुं च परंतप ॥११-५४॥

હે પરંતપ ! હે અર્જુન ! મારા વિશ્વરૂપને ખરેખર જાણવાનું, જોવાનું અને તદ્રુપ થવાનું
એક માત્ર સાધન કેવળ અનન્ય ભક્તિ જ છે.(૫૪)

मत्कर्मकृन्मत्परमो मद्भक्तः सङ्गवर्जितः ।निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डव ॥११-५५॥

હે પાંડવ ! મને જે પ્રાપ્ત કરવાના ઉદેશથી કર્મ કરનાર, મને જ સર્વસ્વ માનનાર, ઉપાધિરહિત અને સર્વ ભૂતોમાં જે વેર રહિત છે તે જ મારો ભક્ત છે.અને તે જ મને પામે છે.(૫૫)

અધ્યાય ૧૧ - વિશ્વરૂપ-દર્શન-યોગ - સમાપ્ત

Related image

No comments