Latest

અધ્યાય ૩ - કર્મયોગ

अर्जुन उवाच--ज्यायसी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन । तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव ॥३-१॥

અર્જુન કહે છે,
હે જનાર્દન, જો તમે જ્ઞાનને કર્મ કરતાં વધુ શ્રેષ્ઠ માનતા હો તો મને આ યુદ્ધ કર્મમાં શા પ્રવૃત કરી રહ્યા છો ? (૧)

व्यामिश्रेणेव वाक्येन बुद्धिं मोहयसीव मे । तदेकं वद निश्चित्य येन श्रेयोऽहमाप्नुयाम् ॥३-२॥

તમારા વચનોથી મારી બુદ્ધિ સંભ્રમિત થઈ રહી છે.
કૃપા કરીને મને એ માર્ગ બતાવો જે નિશ્ચિત રીતે મારા માટે કલ્યાણકારક હોય.(૨)

श्रीभगवानुवाच--लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ । ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥३-३॥

શ્રી ભગવાન કહે છે,
હે નિષ્પાપ, આ જગમાં શ્રેયપ્રાપ્તિના બે જુદા જુદા માર્ગો - જ્ઞાન યોગ અને કર્મ યોગ મેં તને બતાવ્યા.(૩)

न कर्मणामनारम्भान्नैष्कर्म्यं पुरुषोऽश्नुते । न च संन्यसनादेव सिद्धिं समधिगच्छति ॥३-४॥

સાંખ્યયોગીઓને જ્ઞાનનો માર્ગ પસંદ પડે છે જ્યારે
યોગીઓને કર્મનો માર્ગ. નિષ્કર્મતા પ્રાપ્ત કરવા માટે પણ કર્મનું અનુષ્ઠાન તો કરવું જ પડે છે.  (૪)

न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत् । कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥३-५॥

કેવળ કર્મોનો ત્યાગ કરવાથી કોઈ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતું નથી.
કર્મ કર્યા વગર કોઈ દેહધારી ક્ષણ માટે પણ રહી શકતો નથી.
કારણ કે પ્રકૃતિના ગુણોથી વિવશ થઈને પ્રાણીમાત્ર કર્મ કરવા માટે પ્રવૃત થાય છે.(૫)

कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् । इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥३-६॥

જે મનુષ્ય બહારથી પોતાની ઈન્દ્રિયોનો બળપૂર્વક કાબુ કરે અને
મનની અંદર વિષયોનું સેવન કરે છે તે ઢોંગી છે. (૬)

यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन । कर्मेन्द्रियैः कर्मयोगमसक्तः स विशिष्यते ॥३-७॥

મનથી પોતાની ઈન્દ્રિયોનો સંયમ સાધીને જે ફલાશા વગર સહજ રીતે કર્મોનું અનુષ્ઠાન કરે છે તે ઉત્તમ છે. (૭)

नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मणः । शरीरयात्रापि च ते न प्रसिद्ध्येदकर्मणः ॥३-८॥

તારે માટે જે પણ કર્મ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે તે તું કર કારણ કે
કર્મ ન કરવા (કર્મનો ત્યાગ કરવા) કરતાં અનાસક્ત રહીને કર્મ કરવાનું શ્રેષ્ઠ કહેવાયું છે. (૮)

यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः । तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर ॥३-९॥

જો તું કર્મ નહીં કરે તો તારો જીવનનિર્વાહ પણ કેવી રીતે થશે ? આસક્તિથી કરેલ કર્મો માનવને કર્મબંધનથી બાંધે છે.  એથી હે અર્જુન, તું કર્મ કર, પરંતુ અનાસક્ત (અલિપ્ત) રહીને કર (૯)
.

सहयज्ञाः प्रजाः सृष्ट्वा पुरोवाच प्रजापतिः । अनेन प्रसविष्यध्वमेष वोऽस्त्विष्टकामधुक् ॥३-१०॥

બ્રહ્માએ સૃષ્ટિના આરંભમાં જ કહ્યું કે
‘યજ્ઞ (કર્મ) કરતાં રહો અને વૃદ્ધિ પામતા રહો. યજ્ઞ (કર્મ) તમારી ઈચ્છાઓની પૂર્તિનું સાધન બનો.’ (૧૦)

देवान्भावयतानेन ते देवा भावयन्तु वः । परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ ॥३-११॥

યજ્ઞ કરતાં તમે દેવોને પ્રસન્ન રાખો અને દેવો તમને પ્રસન્ન રાખશે.
એમ એકમેકને સંતુષ્ઠ રાખતાં તમે પરમ કલ્યાણને પ્રાપ્ત કરશો. (૧૧)

इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः । तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव सः ॥३-१२॥
यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः । भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ॥३-१३॥

યજ્ઞથી સંતુષ્ઠ દેવો તમને ઈચ્છિત ભોગો આપશે. એને યજ્ઞભાવથી (દેવોને સમર્પિત કર્યા પછી) આરોગવાથી વ્યક્તિ સર્વ પાપથી વિમુક્ત થશે.
એ ભોગોનો ઉપભોગ જે એકલપેટા બનીને કરશે તે પાપના ભાગી થશે અને ચોર ગણાશે. (૧૨-૧૩)

अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः । यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ॥३-१४॥

શરીર અન્નમય કોષ છે. બધા જીવો અન્નથી જ પેદા થાય છે અને અન્નથી જ પોષાય છે. અન્ન વરસાદ થવાથી ઉત્પન્ન થાય છે. વરસાદ યજ્ઞ કરવાથી થાય છે. યજ્ઞ કર્મથી થાય છે અને કર્મ વેદથી થાય છે. (૧૪)

कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् । तस्मात्सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् ॥३-१५॥

પરંતુ વેદ તો પરમાત્મા વડે ઉત્પન્ન કરાયેલ છે. એથી એમ કહી શકાય કે સર્વવ્યાપક પરમાત્મા જ યજ્ઞમાં પ્રતિષ્ઠિત થયેલા છે. (યજ્ઞ વડે પરમાત્માની જ પૂજા કરાય છે)

एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः । अघायुरिन्द्रियारामो मोघं पार्थ स जीवति ॥३-१६॥

હે પાર્થ, જે વ્યક્તિ આ રીતે સૃષ્ટિચક્રને અનુસરીને નથી ચાલતો તે
પોતાની ઈંદ્રિયોના ભોગમાં રમવાવાળો તથા વ્યર્થ જીવન જીવનાર ગણાય છે. (૧૬)

यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः । आत्मन्येव च सन्तुष्टस्तस्य कार्यं न विद्यते ॥३-१७॥

પરંતુ જે વ્યક્તિ આત્મસ્થિત અને આત્મતૃપ્ત છે, પોતાના આત્મામાં જ સંતોષ માને છે,
તેને કોઈ કર્મ કરવાનું રહેતું નથી. (૧૭)

नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन । न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः ॥३-१८॥

એવા મહાપુરુષને માટે કર્મ કરવાનું કે ન કરવાનું કશું પ્રયોજન રહેતું નથી.
એને સર્વ જીવો સાથે કોઈ પ્રકારનો સ્વાર્થસંબંધ નથી રહેતો. (૧૮)

तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर । असक्तो ह्याचरन्कर्म परमाप्नोति पूरुषः ॥३-१९॥

એથી હે પાર્થ, આસક્ત થયા વગર કર્મ કર. નિષ્કામ કર્મ કરનાર વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. (૧૯)

कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादयः । लोकसंग्रहमेवापि संपश्यन्कर्तुमर्हसि ॥३-२०॥

મહારાજા જનક જેવા નિષ્કામ કર્મનું આચરણ કરતા જ પરમ સિદ્ધિને પામ્યા છે. વળી તારે (અંગત સ્વાર્થ માટે નહીં કરવું હોય તો પણ) લોકસંગ્રહાર્થે, સંસારના ભલા માટે (યુદ્ધ) કર્મ કરવું જ રહ્યું.(૨૦)

यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥३-२१॥

શ્રેષ્ઠ પુરુષો જે જે કરે છે એને અનુસરીને સાધારણ લોકો પોતાના કામ કરે છે. (૨૧)

न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन ।नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि ॥३-२२॥

એમ તો મારે પણ કર્મ કરવું આવશ્યક નથી. આ સંસારમાં એવું કંઈ મેળવવાનું મારે માટે બાકી રહ્યું નથી
છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું. (૨૨)

यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः ।मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥३-२३॥  
उत्सीदेयुरिमे  लोका न कुर्यां कर्म चेदहम् । संकरस्य च कर्ता स्यामुपहन्यामिमाःप्रजाः॥३-२४॥

કારણ કે જો હું કર્મ કરવાનું છોડી દઉં તો મારું અનુસરણ કરીને બીજા લોકો પણ કર્મ કરવાનું છોડી દે.
અને એમ થાય તો તેઓ પોતાનો નાશ નોંતરે અને હું એમના વિનાશનું કારણ બનું. (૨૩-૨૪)

सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वन्ति भारत । कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम् ॥३-२५॥

હે અર્જુન, કર્મ કરવું અતિ આવશ્યક છે પરંતુ અજ્ઞાની લોકોની જેમ ફળની આશાથી યુક્ત થઈને નહીં, પરંતુ જ્ઞાનીઓની પેઠે નિષ્કામ ભાવે, ફળની આસક્તિથી રહિત થઈને.(૨૫)

न बुद्धिभेदं जनयेदज्ञानां कर्मसङ्गिनाम् ।जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्तः समाचरन् ॥३-२६॥

જ્ઞાની પુરુષે પોતે તો સમતાનું આચરણ કરીને કર્મનું અનુષ્ઠાન કરવું જ રહ્યું પણ સાથે સાથે જેઓ આસક્તિભાવથી કર્મ કરે છે એમનામાં અશ્રદ્ધા પણ ઉત્પન્ન ન કરવી જોઈએ. (૨૬)

प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥३-२७॥

સર્વ પ્રકારના કર્મો પ્રકૃતિના ગુણોથી પ્રેરાઈને થતાં હોય છે. છતાં અહંકારથી વિમૂઢ થયેલ મનુષ્ય પોતાને એનો કર્તા માને છે. (૨૭)

तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः ।गुणा गुणेषु वर्तन्त इति मत्वा न सज्जते ॥३-२८॥

હે મહાબાહો, પ્રકૃતિના ગુણસ્વભાવને અને કર્મના વિભાગોને યથાર્થ જાણનાર જ્ઞાની કર્મ માટે પ્રકૃતિના ગુણો જ કારણભૂત છે એવું માનીને એમાં આસક્ત થતા નથી. (૨૮)

प्रकृतेर्गुणसंमूढाः सज्जन्ते गुणकर्मसु ।तानकृत्स्नविदो मन्दान्कृत्स्नविन्न विचालयेत् ॥३-२९॥

તો સાથે સાથે જેઓ પ્રકૃતિના ગુણોથી મોહ પામીને કર્મને આસક્તિભાવે કરે છે તેમને વિચલિત કરવાની કોશિશ કરતા નથી. (૨૯)

मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा ।निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ॥३-३०॥

હે અર્જુન, મારામાં મનને સ્થિર કરી, આશા, તૃષ્ણા તથા શોકરહિત થઈને
અનાસક્ત ભાવે (યુદ્ધ) કર્મમાં પ્રવૃત થા.(૩૦)

ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः ।श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ॥३-३१॥
ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् ।सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः ॥३-३२॥

જે વ્યક્તિ દોષદૃષ્ટિથી મુક્ત થઈ મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખી મારા વચનોને અનુસરે છે, એ કર્મબંધનથી મુક્તિ મેળવે છે. પરંતુ જે મનુષ્ય દ્વેષબુદ્ધિથી મારા કહેલ માર્ગનું અનુસરણ નથી કરતા તેને તું વિમૂઢ, જ્ઞાનહીન તથા મૂર્ખ સમજજે. (૩૧-૩૨)

सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥३-३३॥

દરેક પ્રાણી પોતાની સ્વભાવગત પ્રકૃતિને વશ થઈને કર્મ કરે છે. જ્ઞાની પણ એવી જ રીતે સ્વભાવને વશ થઈ કર્મો કરે છે. એથી મિથ્યા સંયમ કરવાનો કોઈ અર્થ નથી.(૩૩)

इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ ।तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ॥३-३४॥

પ્રત્યેક ઈન્દ્રિયના વિષયોમાં રાગ અને દ્વેષ રહેલા છે. રાગ અને દ્વેષ આત્મકલ્યાણના માર્ગમાં મહાન શત્રુઓ છે એટલે એને વશ ન થતો. (૩૪)

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥३-३५॥

એટલું યાદ રાખજે કે પરધર્મ ગમે તેટલો સારો હોય પણ સ્વધર્મ કરતાં ઉત્તમ કદાપિ નથી. એથી તું તારા સ્વધર્મનું (ક્ષત્રિયના ધર્મ) પાલન કરીને વીરગતિને પ્રાપ્ત કરીશ તો એ પરધર્મ (સંન્યાસીના)  કરતાં ઉત્તમ અને કલ્યાણકારક છે.(૩૫)

अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः ।अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः ॥३-३६॥

અર્જુન કહે છે-હે કૃષ્ણ, મનુષ્ય પોતે ઈચ્છતો ન હોવા છતાં પાપકર્મ કરવા માટે કેમ પ્રવૃત્ત થાય છે ? (૩૬)

काम एष क्रोध एष रजोगुणसमुद्भवः ।महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ॥३-३७॥

શ્રી ભગવાન કહે છે,
રજોગુણના પ્રભાવથી પેદા થનાર કામ તથા ક્રોધ જ મહાવિનાશી, મહાપાપી તથા મોટામાં મોટા દુશ્મન છે.(૩૭)
                                                                       
धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च ।यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् ॥३-३८॥

જેમ ધુમાડો આગને, મેલ દર્પણને, ઓર ગર્ભને ઢાંકી દે છે તેવી જ રીતે કામ તથા ક્રોધ વ્યક્તિના જ્ઞાન પર પડદો નાંખી દે છે. (૩૮)

आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥३-३९॥

એથી હે કૌન્તેય, અગ્નિ ના સમાન જેની કદી તૃપ્તિ થતી જ નથી
એવા કામ અને ક્રોધના આવેગો જ્ઞાનીના જ્ઞાન ને ઢાંકી દે છે,જ્ઞાનીઓ ના તે સૌથી મોટા દુશ્મન છે. (૩૯)

इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ॥३-४०॥

મન, બુદ્ધિ અને ઈન્દ્રિય, એ કામ નું  નિવાસ સ્થાન છે,આ કામ મન,બુદ્ધિ અને ઇન્દ્રિયો ને પોતાના વશ કરી ને, જ્ઞાન અને વિવેક ને ઢાંકીને મનુષ્ય ને ભટકાવી મુકે છે..(૪૦)

तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ ।पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् ॥३-४१॥

એથી હે અર્જુન, સૌથી પ્રથમ તું ઈન્દ્રિયોને વશમાં કર અને આ પાપમયી, જ્ઞાન અને વિવેક ને હણનાર કામનામાંથી નિવૃત્તિ મેળવ. (૪૧)

इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥३-४२॥

મનુષ્ય દેહમાં ઈન્દ્રિયોને બળવાન કહેવામાં આવી છે. પરંતુ મન ઈન્દ્રિયોથી બળવાન છે. બુદ્ધિ મનથી બળવાન છે અને આત્મા બુદ્ધિ કરતાં પણ શ્રેષ્ઠ છે. (૪૨)

एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना ।जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ॥३-४३॥

એથી આત્મતત્વને સૌથી બળવાન માની,બુદ્ધિ વડે મન ને વશ કરી, આ કામરૂપી દુર્જય શત્રુનો તું તરત નાશ કરી નાખ.(૪૩)


અધ્યાય ૩ - કર્મયોગ - સમાપ્ત

Image result for bhagavad gita

No comments