Latest

અધ્યાય ૪ - જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ

इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् ।विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब् ॥४-૧॥
एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदुः ।स कालेनेह महता योगो नष्टः परन्तप ॥४-२॥
स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः ।भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ॥४-३॥

શ્રી ભગવાન કહે છે
મેં આ અવિનાશી યોગ સૌપ્રથમ સૂર્યને કહ્યો હતો. સૂર્યે એના પુત્ર મનુને કહ્યો અને મનુએ એના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો. હે અર્જુન, આ રીતે પરંપરાથી ચાલ્યો આવતો આ યોગ ઋષિઓએ જાણ્યો.
પરંતુ કાળક્રમે એ યોગ નષ્ટ પામ્યો છે. તું મારો પ્રિય ભક્ત અને મિત્ર છે એથી આજે આ જ્ઞાનને મેં તારી આગળ પ્રકટ કર્યું.(૧-૨-૩)

अपरं भवतो जन्म परं जन्म विवस्वतः ।कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ॥४-४॥

અર્જુન કહે છે-હે કેશવ, તમારો જન્મ તો હમણાં થયો જ્યારે સૂર્ય તો બહુ પહેલેથી વિદ્યમાન છે. તો મને સંશય થાય છે કે તમે સૂર્યને આ યોગ સૃષ્ટિના આરંભમાં કેવી રીતે કહ્યો ? (૪)

बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन ।तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ॥४-५॥

શ્રી ભગવાન કહે છે
હે અર્જુન, તારા અને મારા અનેક જન્મ થઈ ચુક્યા છે. પરંતુ ફરક એટલો છે કે મને એ બધા યાદ છે અને તેને એ યાદ નથી રહ્યા.(૫)

अजोऽपि सन्नव्ययात्मा भूतानामीश्वरोऽपि सन् ।प्रकृतिं स्वामधिष्ठाय संभवाम्यात्ममायया ॥४-६॥

હું અજન્મા અને અવિનાશી છું. સર્વ ભૂતોનો ઈશ્વર છું. છતાં પ્રકૃતિનો આધાર લઈને પ્રકટ થાઉં છું. (૬)

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥

હે ભારત, જ્યારે જ્યારે ધર્મનો નાશ થઈ જાય છે અને અધર્મનો વ્યાપ વધે છે ત્યારે હું અવતાર ધારણ કરું છું. સાધુપુરુષોનું રક્ષણ, દુષ્કર્મીઓનો વિનાશ તથા ધર્મની સંસ્થાપનાના હેતુ માટે યુગે યુગે હું પ્રકટ થાઉં છું.(૭-૮)

जन्म कर्म च मे दिव्यमेवं यो वेत्ति तत्त्वतः ।त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन ॥४-९॥

મારા જન્મ અને કર્મ દિવ્ય તથા અલૌકિક છે. જે મનુષ્ય એનો પાર પામી જાય છે એ મૃત્યુ પછી મને પામે છે. એ જન્મ-મરણના ચક્રમાં નથી ફસાતો. (૯)

वीतराग भयक्रोधा मन्मया मामुपाश्रिताः।बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥४-१०॥

જેના રાગ, દ્વેષ, ભય તથા ક્રોધનો નાશ થયો છે અને જે  અનન્યભાવથી મારું ચિંતન કરે છે તે જીવાત્મા તપ અને જ્ઞાનથી પવિત્ર થઈને મારી પાસે પહોંચે છે.(૧૦)

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥४-११॥

હે અર્જુન, જે ભક્ત મારું જે પ્રમાણે ચિંતન કરે છે તેને હું તેવી રીતે મળું છું. શ્રેયના જુદા જુદા માર્ગોથી મનુષ્ય મારી પાસે જ આવે છે. (૧૧)

काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः ।क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा ॥४-१२॥

આ લોકમાં કર્મફળની કામના રાખનાર દેવોનું પૂજન કરે છે
કારણ કે એમ કરવાથી કર્મફળની સિદ્ધિ શીઘ્ર થાય છે. (૧૨)

चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः ।तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम् ॥४-१३॥

વર્ણોની રચના (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર - એ ચાર) કર્મ તથા ગુણના આધાર પર મેં જ કરેલી છે.
એ કર્મોનો હું જ કર્તા છું છતાં મને તું અકર્તા જાણ. (૧૩)

न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा ।इति मां योऽभिजानाति कर्मभिर्न स बध्यते ॥४-१४॥

કારણ કે એ કર્મો મને બાધ્ય કરતા નથી. કેમ કે મને કર્મફળની કોઈ ઈચ્છા નથી. જે મારા રહસ્યને આ પ્રકારે જાણી લે છે તે કર્મના બંધનોથી મુક્ત થઈ જાય છે. (૧૪)

एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः ।कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतम् ॥४-१५॥

પહેલાંના સમયમાં મુમુક્ષુઓ આ પ્રમાણે કર્મ કરતા હતા. એથી હે અર્જુન, તું પણ એમની માફક કર્મનું અનુષ્ઠાન કર.(૧૫)

किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः ।तत्ते कर्म प्रवक्ष्यामि यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् ॥४-१६॥

કર્મ કોને કહેવાય અને અકર્મ કોને કહેવાય તે નક્કી કરવામાં મોટા મોટા વિદ્વાનો પણ ગોથું ખાઈ જાય છે. હું તને કર્મ વિશે સમજાવું જેથી તું કર્મબંધન અને (યુદ્ધભૂમિમાં અત્યારે તને થયેલ) ક્લેશમાંથી મુક્ત થશે. (૧૬)

कर्मणो ह्यपि बोद्धव्यं बोद्धव्यं च विकर्मणः ।अकर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः ॥४-१७॥

કર્મ, અકર્મ અને વિકર્મ - એ ત્રણેય વિશે જાણવું જરૂરી છે કારણ કે કર્મની ગતિ અતિશય ગહન છે. (૧૭)

कर्मण्यकर्म यः पश्येदकर्मणि च कर्म यः ।स बुद्धिमान्मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत् ॥४-१८॥

જે મનુષ્ય કર્મમાં અકર્મને જુએ છે તથા અકર્મમાં કર્મનું દર્શન કરે છે તે બુદ્ધિમાન છે. એ જ્ઞાનથી મંડિત થઈને તે પોતાના સર્વ કાર્યો કરે છે. (૧૮)

यस्य सर्वे समारम्भाः कामसंकल्पवर्जिताः ।ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः पण्डितं बुधाः ॥४-१९॥

જેના વડે આરંભાયેલા સર્વ કાર્યો કામનાથી મુક્ત છે તથા જેના બધા કર્મો યજ્ઞરૂપી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા છે, તેને જ્ઞાનીઓ પંડિત કહે છે. (૧૯)

त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतृप्तो निराश्रयः ।कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किंचित्करोति सः ॥४-२०॥

જે પુરુષ કર્મફળની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ કરીને પરમ તૃપ્ત અને આશ્રયની આકાંક્ષાથી રહિત હોય છે તે કર્મમાં જોડાયેલો હોવા છતાં એનાથી લેપાયેલો નથી.(૨૦)

निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः ।शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥४-२१॥

જે તૃષ્ણારહિત થઈને, પોતાના મન અને ઈન્દ્રિયોનો કાબૂ કરી કેવળ શરીરનિર્વાહને માટે જ કર્મો કરે છે તે પાપથી લેપાતો નથી. (૨૧)

यदृच्छालाभसंतुष्टो द्वन्द्वातीतो विमत्सरः ।समः सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ॥४-२२॥

કોઈ ઈચ્છા કર્યા વગર સહજ રીતે જે મળે તેમાં સંતુષ્ઠ રહેનાર, ઈર્ષાથી પર, સુખદુઃખાદિ દ્વંદ્વોથી મુક્ત, તથા વિજય કે હાનિમાં સમતા રાખનાર મનુષ્ય કર્મ કરવા છતાં તેમાં બંધાતો નથી. (૨૨)

गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतसः ।यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ॥४-२३॥

જે અનાસક્ત રહીને પરમાત્માનું ચિંતન કરતાં યજ્ઞભાવથી બધા કર્મો કરે છે,
તેના બધા જ કર્મો નાશ પામે છે.(૨૩)

ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥४-२४॥

કેમ કે યજ્ઞમાં અર્પણ કરાતી વસ્તુ બ્રહ્મ છે, અર્પણ કરવાનું સાધન બ્રહ્મ છે, જેને એ અર્પણ કરવામાં આવે છે તે બ્રહ્મ છે તથા જે અર્પણ કરનાર છે તે પણ બ્રહ્મ છે. જે આ રીતે કર્મ કરતી વખતે બ્રહ્મમાં સ્થિત હોય તે યોગી બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. (૨૪)

दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ।ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति ॥४-२५॥

કેટલાક યોગીઓ યજ્ઞ વડે દેવતાઓને પૂજે છે, જ્યારે કેટલાક જ્ઞાનીઓ, (જ્ઞાનરૂપી યજ્ઞ માં )
બ્રહ્માગ્નિના અગ્નિમાં પોતાના આત્માની આહૂતિ આપે છે.(૨૫)

श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति ।शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति ॥४-२६॥

કેટલાક પોતાની શ્રવણેન્દ્રિને સંયમના અગ્નિમાં હોમે છે,
કેટલાક શબ્દાદિ વિષયોને ઈન્દ્રિયરૂપી અગ્નિમાં હોમે છે, (૨૬)

सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे ।आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते ॥४-२७॥

તો વળી કેટલાક ઈન્દ્રિયો તથા પ્રાણની સમસ્ત ક્રિયાઓને આત્મસંયમરૂપી યોગાગ્નિમાં હોમે છે. (૨૭)

द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथापरे ।स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः ॥४-२८॥

કોઈ આ રીતે દ્રવ્યયજ્ઞ કરે છે, કોઈ તપ યજ્ઞ કરે છે, કોઈ કર્મ દ્વારા યજ્ઞ કરે છે તો કોઈ નિયમવ્રતોનું પાલન કરીને સ્વાધ્યાય દ્વારા જ્ઞાનયજ્ઞ કરે છે. (૨૮)

अपाने जुह्वति प्राणं प्राणेऽपानं तथापरे ।प्राणापानगती रुद्ध्वा प्राणायामपरायणाः ॥४-२९॥

કેટલાક યોગીજન અપાનવાયુમાં પ્રાણને હોમે છે જ્યારે કેટલાક પ્રાણમાં અપાનવાયુને હોમે છે. કેટલાક પ્રાણ અને અપાનની ગતિને કાબૂમાં કરી પ્રાણાયામ કરે છે. (૨૯)

अपरे नियताहाराः प्राणान्प्राणेषु जुह्वति ।सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः ॥४-३०॥

કેટલાક આહાર પર કાબૂ કરી પોતાના બધા જ પ્રાણને પ્રાણમાં હોમે છે. આ રીતે સાધક પોતપોતાની રીતે પાપોનો નાશ કરવા યજ્ઞનું અનુષ્ઠાન કરે છે.(૩૦)

यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् ।नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरुसत्तम ॥४-३१॥

હે અર્જુન, યજ્ઞશિષ્ઠ અન્ન ખાનારને સનાતન બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. જે એ પ્રમાણે યજ્ઞનું અનુષ્ઠાન નથી કરતા તેમને માટે આ મૃત્યુલોક સુખકારક નથી થતો. તો પછી પરલોક તો સુખદાયી ક્યાંથી થાય ? (૩૧)

एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे ।कर्मजान्विद्धि तान्सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे ॥४-३२॥

વેદમાં બ્રહ્મા દ્વારા આવા અનેક યજ્ઞોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ સર્વે યજ્ઞો મન, ઈન્દ્રિય અને શરીર દ્વારા ફળની ઈચ્છાથી કરવામાં આવે છે. એ પ્રમાણે જાણવાથી તું કર્મબંધનથી મુક્ત થઈશ. (૩૨)

श्रेयान्द्रव्यमयाद्यज्ञाज्ज्ञानयज्ञः परन्तप ।सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते ॥४-३३॥

હે અર્જુન, દ્રવ્યયજ્ઞની તુલનામાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે. કેમ કે પૂર્ણ જ્ઞાનમાં બધા જ કર્મો સમાઈ જાય છે. (૩૩)

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया ।उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः ॥४-३४॥

આ સત્યને બરાબર જાણી ચુકેલ જ્ઞાની પુરુષને તું પ્રણામ કરી, વાર્તાલાપ દ્વારા કે સેવાથી પ્રસન્ન કર. તે તને જ્ઞાન પ્રદાન કરશે. (૩૪)

यज्ज्ञात्वा न पुनर्मोहमेवं यास्यसि पाण्डव ।येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि ॥४-३५॥

હે પાંડવ, આ રીતે જ્ઞાન પામ્યા પછી તને મોહ નહીં થાય અને તું તારા પોતામાં તથા
અન્ય જીવોમાં મને (પરમાત્માને) નિહાળી શકીશ.(૩૫)

अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः ।सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि ॥४-३६॥

જો તું અધમાધમ પાપી હોઈશ તો પણ જ્ઞાન રૂપી નાવમાં બેસીને પાપના સમુદ્રને પાર કરી જઈશ.(૩૬)

यथैधांसि समिद्धोऽग्निर्भस्मसात्कुरुतेऽर्जुन ।ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात्कुरुते तथा ॥४-३७॥

જેવી રીતે પ્રજ્વલિત થયેલ અગ્નિ કાષ્ઠને બાળી નાખે છે તેવી રીતે
જ્ઞાનનો અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી નાખે છે. (૩૭)

न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।तत्स्वयं योगसंसिद्धः कालेनात्मनि विन्दति ॥४-३८॥

જ્ઞાનથી અધિક પવિત્ર આ સંસારમાં બીજું કશું જ નથી. યોગમાં સિદ્ધ થયેલ પુરુષ આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે.(૩૮)

श्रद्धावाँल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ।ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥४-३९॥

શ્રદ્ધાવાન અને જિતેન્દ્રિય મનુષ્ય જ્ઞાન (સત્ય-પરમ-જ્ઞાન) ને પ્રાપ્ત કરે છે,
અને આ જ્ઞાન થી તે તરત જ શાંતિ પ્રાપ્ત કરે છે.(૩૯)

अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥४-४०॥

જ્યારે આત્મજ્ઞાન વિનાનો, શ્રદ્ધાહીન તથા સંશયી મનુષ્ય એ જ્ઞાન મેળવી શકતો નથી અને વિનાશ પામે છે. તેવા મનુષ્યને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ મળતું નથી.(૪૦)

योगसंन्यस्तकर्माणं ज्ञानसंछिन्नसंशयम् ।आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनंजय ॥४-४१॥

હે ધનંજય, જેણે યોગ દ્વારા પોતાના સમસ્ત કર્મોનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે જેણે પોતાના સંશયો છેદી નાખ્યા છે તેવા આત્મનિષ્ઠ પુરુષને કર્મ બંધનકર્તા નથી થતું. (૪૧)

तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः ।छित्त्वैनं संशयं योगमातिष्ठोत्तिष्ठ भारत ॥४-४२॥

એથી હે ભારત, તારા હૃદયને જેણે શોકથી હણી નાખ્યું છે એવા અજ્ઞાનથી પેદા થયેલ સંશયને તું જ્ઞાનરૂપી શસ્ત્રથી છેદી નાખ અને યોગમાં સ્થિત થઈ યુદ્ધ માટે તૈયાર થઈ જા.(૪૨)

અધ્યાય ૪ - જ્ઞાન-કર્મ-સન્યાસ-યોગ - સમાપ્ત

Image result for bhagavad gita

No comments