Baal Vaarta - બાળવાર્તા 27 - પોપટ અને કાગડો
એક હતાં પોપટભાઈ, એ એમની મા જોડે રેહતા. એક દિવસ પોપટભાઈની મા એમને કહે, “પોપટ દીકરા! મેં તને ભણાયો ગણાયો અને હવે તું મોટો થઇ ગયો છું. તારે કમાવું જોઈએ. જા દીકરા, બહાર જઈ કોઈ કામ ધંધો શોધ. મારી ચિંતા કરતો નહી.” પોપટભાઈ તો ખૂબ કહ્યાગરા હતા. તરત મા નો પડ્યો બોલ ઝીલી લીધો. પોપટભાઈ તો જવાની તૈયારીઓ કરવા લાગ્યા. એમની મા એ એમને પ્રવાસ માટે ભાથુ બાંધી આપ્યું. પોપટભાઈ તો ભાથુ અને મા ના આશીર્વાદ લઈને ઊડ્યા. ઊડતા ઊડતા ખૂબ દૂર આવી પહોંચ્યા. એટલે થાક ખાવા એક આંબાના ઝાડ ઉપર બેઠા. બેઠા કે એમને બધું નવું નવું લાગવા લાગ્યું. અને ઘર અને મા, બંને ખૂબ યાદ આવ્યા. એ તો મા ને યાદ કરતા રડવા લાગ્યા.
થોડી વારમાં ત્યાંથી એક ભેંસોનો ગોવાળ પસાર થયો. એટલે પોપટભાઈએ ગોવાળને કહ્યું, “ભાઈ ભેંસોના ગોવાળ ભાઈ ભેંસોના ગોવાળ, મારી માને એટલું કહેજે, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટભાઈ ટહુકા…કરે!” ભેંસોનો ગોવાળ કહે, “અરે ભાઈ તું તો કેટલો દૂરથી આવ્યો છે, મારી પાસે સમય નથી તારા ઘરે જવાનો, પણ તને રડતો જોઈ મને દુઃખ થાય છે, એટલે તું કહે તો તને મારી આ એક ભેંસ આપું.” પોપટ કહે, “સારુ, તો આ આંબે એને બાંધી દો.” ગોવાળ તો એક ભેંસને આંબે બાંધી ને ચાલ્યો ગયો. થોડી વારમાં ત્યાંથી એક ઊંટોનો ગોવાળ પસાર થયો. એટલે પોપટભાઈએ ગોવાળને કહ્યું, “ભાઈ ઊંટોના ગોવાળ ભાઈ ઊંટોના ગોવાળ, મારી માને એટલું કહેજે, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટભાઈ ટહુકા…કરે!” ઊંટોનો ગોવાળ કહે, “અરે ભાઈ તું તો કેટલો દૂરથી આવ્યો છે, હું આ મારા ઊંટોને રઝળતા મૂકીને ક્યાં તારા ઘરે જવાનો! પણ તને રડતો જોઈ મને દુઃખ થાય છે, એટલે તું કહે તો તને મારુ આ એક ઊંટ આપું.” પોપટ કહે, “સારુ, તો આ આંબે એને બાંધી દો.” ગોવાળ તો એક ઊંટને આંબે બાંધી ને ચાલ્યો ગયો. થોડી વારમાં ત્યાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો. એટલે પોપટભાઈએ ગોવાળને કહ્યું, “ભાઈ ગાયોના ગોવાળ ભાઈ ગાયોના ગોવાળ, મારી માને એટલું કહેજે, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટભાઈ ટહુકા…કરે!” ગાયોનો ગોવાળ કહે, “અરે ભાઈ હું કઈ નવરો નથી, મારે તો બે ગામ દૂર જવાનું છે. મારી પાસે સમય નથી તારા ઘરે જવાનો, પણ તને દુખી જોઈ મને દુઃખ થાય છે, એટલે તું કહે તો તને મારી આ એક ગાય આપું.” પોપટ કહે, “સારુ, તો આ આંબે એને બાંધી દો.” ગોવાળ તો એક ગાયને આંબે બાંધી ને ચાલ્યો ગયો. ત્યાંતો થોડી વારમાં ત્યાંથી એક બકરાનો ગોવાળ પસાર થયો. એટલે પોપટભાઈએ ગોવાળને કહ્યું, “ભાઈ બકરાના ગોવાળ ભાઈ બકરાના ગોવાળ, મારી માને એટલું કહેજે, પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટભાઈ ટહુકા…કરે!” બકરાનો ગોવાળ કહે, “જા જા ભાઈ, મારી પાસે સમય નથી, પણ આ તો તને દુખી જોઈ મને દુઃખ થાય છે, એટલે તું કહે તો તને મારો આ એક બકરો આપું.” પોપટ કહે, “સારુ, તો આ આંબે એને બાંધી દો.” ગોવાળ તો એક બકરાને આંબે બાંધી ને ચાલ્યો ગયો.
પોપટભાઈ થોડા સ્વસ્થ થયા એટલે એમણે વિચાર્યું કે હવે મારે પૈસા કમાવવા કઈ કરવું જોઈએ. એટલે આંબે બાંધેલા ચારે દોરડા હાથે પકડી ને ભેંસ, ઊંટ, ગાય અને બકરા સાથે પોપટભાઈ ચાલતા ચાલતા નજીકના બજારે પહોંચ્યા. બજારમાં જઈને પોપટભાઈએ ચારેયને વેચી દીધા. અને સામે એમને પુષ્કળ પૈસા મળ્યા. પોપટભાઈ તો બંને પાંખોમાં પૈસા ભરીને ઊડતા ઊડતા ઘરે પાછા આવી પહોંચ્યા. આ બાજુ એમની મા પણ ચિંતા કરતી જ હતી કે, “મારો પોપટ ક્યારે આવશે? કેટલા દિવસ થઇ ગયા એને ગયે! એ મઝામાં તો હશે ને?” ત્યાંતો પોપટભાઈ બારણું ખખડાવતા બોલ્યા, “ઢોલીડા ઢળાવો, પાથરણા પાથરવો, શરણાયું વગડાવો, નગારું વગડાવો, પોપટભાઈ પાંખ ખંખેરે!” “અરે! મારો પોપટ આવી ગયો! મારો પોપટ આવી ગયો!” કહેતા મા એ તો સરસ મઝાનો ગાલીચો બીછાવ્યો, અને દરવાજો ખોલ્યો. એટલે પોપટભાઈ તો ઘરમાં ઠમ્મક ઠમ્મક ઠમ્મક કરતાં આવીને ગાલીચા ઉપર મોટી મોટી પાંખો ફેલાવીને ખંખેરી. અને હેય ને પુષ્કળ પૈસા ખડિંગ ખડિંગ કરતાં પડ્યા, ને આખો ગાલીચો ભરાઈ ગયો. પોપટભાઈની મા તો ખૂશ ખૂશ થઇ ગઈ અને પોપટભાઈ ના ઓવારણા લીધાં અને વહાલ થી ભેટી પડી. બંને ખૂબ ખૂશ થયાને પોપટભાઈએ એમની મા ને હોંશે હોંશે આખા પ્રવાસની વાતો કરી. મા તો પોપટભાઈને માથે હાથ ફેરવતા જાય અને સંભાળતા જાય.
પોપટભાઈની બાજુમાં એક કાગડો રહેતો હતો. એ કાગડાની મા આ બધું એક કાણામાંથી જોતી અને સંભાળતી હતી. એને પણ થયું કે મારો કાગડો પણ બહાર કામે જાય અને પોપટભાઈની જેમ ખૂબ પૈસા કમાવીને લાવે. હવે કાગડાભાઈ સ્વભાવે આળસુ અને હંમેશા ઉકરડાની આસપાસ જ રેહતા. એ ઘરે અવ્યા, એટલે કાગડાભાઈના મા એ એમને કહ્યું કે, “પોપટની જેમ હવે તારેય કામે જવાનું છે.” કાગડાભાઈ તો કહે, “ઠીક!” કાગડાભાઈના મા એ એમને પણ ભાથુ બાંધી આપ્યું. અને કાગડાભાઈ તો ઊડ્યા. સાંઝ પડી ત્યાં તો કાગડાભાઈ પાછા આવ્યા. અને બારણું ખખડાવતા બોલ્યા, “ઢોલીડા ઢળાવો, પાથરણા પાથરવો, શરણાયું વગડાવો, નગારું વગડાવો, કાગડાભાઈ પાંખ ખંખેરે!” “હેં !! કાગડો આવી પણ ગયો?” કાગડાભાઈની મા તો અચંબો પામ્યા. એમને તો જલ્દી જલ્દી ગાલીચો બીછાવ્યો, અને દરવાજો ખોલ્યો. એટલે કાગડાભાઈ તો ઘરમાં ધમ ધમ ધમ કરતાં આવીને ગાલીચા ઉપર મોટી મોટી પાંખો ફેલાવીને ખંખેરી, અને આ શું ખૂબ ગંધ મારતો કચરો આખા ગાલીચા ઉપર ફેલાઈ ગયો.
કાગડાભાઈની મા તો ખૂબ ગુસ્સે થઇ, “આ શું લઇ આવ્યો છે? કંઈ ભાન પડે છે? મેં તને પૈસા કમાવા મોકલ્યો અને તેં તો ઘર બગડ્યું!” કાગડાભાઈને તો ખૂબ માર પડ્યો. પોપટભાઈને આ બધું સંભળાતું હતું. એટલે પોપટભાઈ અને એમના મા તો હસી પડ્યા અને ખાધું પીધું ને રાજ કર્યું.
No comments