Latest

Baal Vaarta - બાળવાર્તા 81 - બોલતી ગુફા


એક જંગલ હતું. એ જંગલમાં એક શિયાળ ગુફા બનાવીને રહેતું હતું. શિયાળ દિવસે શિકાર કરવા જંગલમાં રખડે ને સાંજે ગુફામાં આવીને સૂઈ રહે.

એક દિવસ શિયાળ ગુફાની બહાર ગયું હતું ત્યારે એક અજાણ્યો સિંહ ફરતો ફરતો શિયાળની ગુફા પાસે આવ્યો. તે ભારે આળસુ હતો. તેણે વિચાર કર્યો. ‘અત્યારે હું ગુફામાં બેસી જાઉં. જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ.’ સિંહ ગુફામાં જઈ બેસી ગયો.

સાંજે શિયાળ આવ્યું. એણે માટીમાં ગુફા તરફ જતાં સિંહના પગલાંની છાપ જોઈ. તેણે વિચાર્યું કે સિંહના પગલા ગુફામાં જતાં દેખાય છે પણ બહાર નીકળતાં પગલાં દેખાતાં નથી. માટે સિંહ ગુફામાં જ છે. શિયાળ ચેતી ગયું. તેણે નક્કી કર્યું, ‘અત્યારે ગુફામાં જવાય નહિ.’

આથી શિયાળ ગુફાથી થોડે દૂર જઈને બેઠું. થોડીવાર સુધી કોઈને બહાર નીકળતા જોયું નહિ, એટલે તેણે એક યુક્તિ કરી. ગુફાને કહેતું હોય તેમ શિયાળ બોલ્યું, ‘ગુફા રે ગુફા! આજે કેમ બોલી નહિ? રોજ તો હું આવું ત્યારે તું બોલે છે કે આવો! આવો! આજે તને શું થયું છે? તું નહિ બોલે તો હું પાછું ચાલ્યું જઈશ.’

સિંહ વિચારમાં પડ્યો, ‘ગુફા રોજ શિયાળને આવકાર આપતી હશે પરંતુ આજે મારી બીકને લીધે ગુફા બોલતી નથી. તો લાવ ગુફાને બદલે હું જ બોલું. નહિ બોલું તો હાથમાં આવેલો શિકાર જતો રહેશે’ એટલે સિંહ બોલ્યો, ‘આવો! આવો!’

સિંહનો અવાજ સાંભળી શિયાળને ખાતરી થઈ ગઈ કે તેનું અનુમાન સાચું છે. તેથી તે ત્યાંથી ઊભી પૂછડિયે ભાગ્યું.

થોડીવાર થઈ. શિયાળ ગુફામાં આવ્યું નહિ. એટલે સિંહ ગુફામાંથી બહાર આવ્યો. જોયું તો શિયાળ દેખાયું નહિ. આમ સિંહ ભૂખ્યો રહ્યો. સિંહને ખોરાકની શોધમાં આખરે ગુફા છોડવી પડી. શિયાળની યુક્તિ સફળ થઈ. શિયાળ બચી ગયું.

શિયાળ બોલ્યું, ‘જે ચેતીને ચાલે એને પસ્તાવાનો વારો કદી ન આવે.’

No comments