Baal Vaarta - બાળવાર્તા 59 - નાનીને ઘરે જાવા દે
એક હતું ઘેટાનું બચ્ચું. તે એક વાર તેની મોટી માને ત્યાં ચાલ્યું. રસ્તામાં ચાલતાં તેને એક શિયાળ મળ્યું. શિયાળ બચ્ચાને કહે, હું તને ખાઉં. બચ્ચું કહે,
'નાનીને ઘરે જવા દે,
ખૂબ તાજું થાવા,
પછી મને ખાજે.'
શિયાળ કહે, 'ઠીક.'
બચ્ચું જરા દૂર ચાલ્યું ત્યાં એક ગીધ મળ્યું.
ગીધ કહે, 'હું તને ખાઉં.'
ઘેટાનું બચ્ચું કહે,
'નાનીને ઘરે જવા દે,
ખૂબ તાજું થાવા,
પછી મને ખાજે.'
ગીધ કહે, 'ઠીક.'
ઘેટાનું બચ્ચું તો આગળ ચાલ્યું. ત્યાં વળી રસ્તામાં તેને એક વાઘ મળ્યો. વાઘ કહે, 'હું તને ખાઉં.'
બચ્ચું કહે,
'નાનીને ઘરે જવા દે,
ખૂબ તાજું થાવા,
પછી મને ખાજે.'
વાઘ કહે, 'ઠીક.'
પછી રસ્તામાં એ પ્રમાણે તેને વરુ, ગરુડ, કૂતરો વગેરે જનાવરો મળ્યાં ને ઘેટાનું બચ્ચું સૌને ઉપર પ્રમાણે કહી આગળ ચાલ્યું.
પછી ઘેટું તો મોટી માને ત્યાં જઈને મોટી માને કહે, 'મા, મા ! મને ખૂબ ખવરાવ. મેં જનાવરોને વચન આપ્યું છે, માટે એ બધાં મને ખાઈ જવાનાં છે.'
બચ્ચાંએ તો ખૂબ ખાધું, પીધું ને સારી રીતે જાડું થયું. પછી તો મોટી માને કહે, 'મા ! મને એક ચામડાનું ઢોલકું કરી આપો એટલે હું એમાં બેસીને જાઉં, ને મને કોઈ ઓળખે નહિ, મને તેથી કોઈ ખાય નહિ.'
મોટી માએ તો બચ્ચાને માટે એક સારું મજાનું ઢોલકું બનાવ્યું, અંદર રૂપાળું રૂ પાથર્યું. પછી તેની અંદર બચ્ચું બેઠું. પછી ઢોલકાને જે ધક્કો માર્યો ને, તે ઢોલકું દડતું ચાલ્યું. ત્યાં રસ્તામાં ગરુડ મળ્યું. ગરુડ કહે, 'ભાઈ ! ક્યાંય ઘેટાનું બચ્ચું જોયું ?'
ઢોલકામાંથી બચ્ચું બોલ્યું,
'ક્યાંનું બચ્ચું, ક્યાંનો તું ?
ચલ ઢોલકડા ઢમકા ઢુ !'
આમ જવાબ આપતું આપતું ઘેટું ઘણે દૂર નીકળી ગયું. છેવટે શિયાળભાઈ મળ્યા. શિયાળ કહે, 'ક્યાંય ઘેટાનું બચ્ચું દીઠું ?'
અંદરથી બચ્ચું બોલ્યું,
'ક્યાંનું બચ્ચું, ક્યાંનો તું ?
ચલ ઢોલકડા ઢમકા ઢુ !'
શિયાળ કહે, 'અરે, આમાં તો બચ્ચું લાગે છે ! ચાલ ઢોલકું તોડીને ખાઉં પણ ત્યાં બચ્ચાનું ઘર આવી ગયું ને બચ્ચું ઘરમાં પેસી ગયું. શિયાળભાઈ બારણાં પાસે ઊભા ઊભા જોઈ રહ્યા.
No comments