Baal Vaarta - બાળવાર્તા 96 - કોણ વધુ બળવાન?
એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઊતરી પડ્યા. પવન કહે, ‘સૂરજ, તારા કરતાં હું બળવાન’.
‘તું બળવાન? હં!’ સૂરજે કહ્યું: ‘મારી આગળ તારી કશી વિસાત નહિ, સમજ્યો?’
પવને કહ્યું: ‘ના ના, તારા કરતાં હું ખૂબ બળવાન, બોલ!’
આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી.
સૂરજે પવનને કહ્યું: ‘પેલા મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન. બોલ છે કબૂલ?’
પવને કહ્યું: ‘મંજૂર!’
‘જા, પહેલી તક તને આપું છું’, સૂરજે પવનને કહ્યું.
‘અરે, હમણાં જ તેની શાલ ઉડાડી દઉં છું. જોજેને!’ પવન બોલ્યો.
પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવનનો વારો પૂરો ન થયો.
હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે હળવેથી પૃથ્વી પર હૂંફાળું સ્મિત વેર્યું. મુસાફરને જરાક ગરમી લાગી. એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાંખી. જેમ જેમ સૂરજનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીઘી. પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે.
No comments