Latest

Baal Vaarta - બાળવાર્તા 39 - સમજુ વાંદરો


એક શિકારી શિકાર કરવા નીકળ્યો. પહેલાં કદી શિકારે ગયેલો નહિ. એટલે જોખમનો ખ્યાલ નહિ. એકલો એકલો જ નીકળી પડ્યો.

ત્યાં એણે એક હરણ જોયું. એને એણે બંદૂક ઉઠાવી જ્યાં નિશાન લેવા જાય છેવ ત્યાં હરણ ભાગ્યું. એ તો દોડ્યો હરણની પાછળ. હરણ આંખના પલકારામાં ક્યાંનું ક્યાં નાસી ગયું.

શિકારી હરણને શોધતો શોધતો આગળ ગયો. ત્યાં અચાનક નજીકથી જ વાઘની ગર્જના સંભળાઈ. આખું જંગલ ધ્રૂજી ઊઠ્યું. અને શિકારી પણ ધ્રૂજી ઊથ્યો. ગભરાટમાં ને ગભરાટમાં હાથમાંથી બંદૂક પડી ગઈ. ત્યાં તો સામેની ઝાડીમાં વાઘનું માથું દેખાયું.

શિકારીના તો હોશકોશ ઊડી ગયા. એ દોડીને એક ઝાડ પર ચઢી ગયો. વાઘ કૂદ્યો પણ એને પહોંચ્યો નહિ. તે પહેલાં શિકારી ઝાડ પર ઊંચે ચઢી ગયો હતો. શિકારને છટકી ગયેલો જોઈને વાઘે તો ગર્જના પર ગર્જના કરવા માંડી. પણ હવે શું થાય ! ગર્જના કરવાથી શિકાર થોડો મોંમાં પડવાનો હતો.

કંટાળીને વાઘ તો ઝાડ નીચે જ આંટા મારવા લાગ્યો. હવે એટલી જગ્યામાં એ ઝાડ એકલું જ હતું. એની આજુબાજુ થોડા અંતર સુધી બીજું કોઈ ઝાડ ન હતું. હવે એ ઝાડ પર એક વાંદરો પણ હતો. શિકારીને લીધે એ પણ ફસાઈ ગયો. વાંદરો પણ નીચે ઊતરવા જાય તો વાઘ તેનો કોળિયો જ કરી નાખે. અને નીચે ઊતર્યા સિવાય તો બીજે કશે જવાય નહિ. આથી વાંદરો અકળાયો અને ઝાડ પર કૂદાકૂદ કરવા લાગ્યો.

વાઘે વાંદરાને જોયો એટલે વાઘે કહ્યું,

'વાંદરાભાઈ ! તમે અકળાઓ નહિ. હું તમને નહિ ખાઈ જાઉં. ફક્ત એક કામ કરો. પેલા માણસને નીચે ફેંકી દો.'

'એ મારો શિકાર છે એને લઈને ચાલ્યો જઈશ. પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો.'

વાંદરો કહે, 'એ માણસે મારું કાંઈ બગાડ્યું નથી કે એ મારો ખોરાક નથી. પછી મારે એવું પાપ શા માટે કરવું જોઈએ ?'

શિકારી પણ વાંદરાને કહેવા લાગ્યો ઃ 'વાંદરાભાઈ, રખે એવું કરતા ! મને વાઘના મોંમાં ધકેલીને તારા હાથમાં શું આવવાનું છે ! માટે મને ધક્કો નહિ મારતો.'

વાંદરાએ કહ્યું, 'તું ગભરાઈશ નહિ. હું તને ધક્કો નહિ મારીશ.'

ધીરે ધીરે રાત વીતવા લાગી. વાંદરાને પણ ઊંઘ આવે અને શિકારીને પણ ઊંઘ આવે. જો ઝોકું આવી જાય તો બન્ને નીચે પડે અને વાઘનો શિકાર બની જાય.

એટલે કહ્યું, 'આપણે વારા બાંધીએ. પહેલાં હું ઊંઘી જાઉં છું. તું મારું ધ્યાન રાખજે. અડધી રાત પછી તું ઊંઘી જજે અને હું જાગીશ. હું તારું ધ્યાન રાખીશ.'

વાંદરો કહે, 'સારું.' અને પેલો શિકારી ઊંઘી ગયો. વાઘે વાંદરાને ફરી સમજાવ્યો ઃ 'વાંદરાભાઈ ! આ માણ્સની જાત બહુ કપટી અને નિષ્ઠુર હોય છે. તમે નકામો એનો પક્ષ લો છો. તમે એને નીચે ફેંકી દો. એથી હું મારા રસ્તે પડું અને તમે પણ છૂટા થાઓ. ઘરે તમારી વાંદરી અને બચ્ચાંઓ તમારી વાટ જોતાં હશે.'

'ના, એવું મારાથી ન થાય. એ બિચારો મારા ભરોસે ઊંઘે છે. મારાથી એને દગો ન દેવાય.' વાંદરાએ તો ઘસીને ના પાડી દીધી. અને વાંદરો જાગતો જ બેસી રહ્યો.

અડધી રાત વીતી એટલે વાંદરાએ શિકારીને જગાડ્યો અને કહ્યું, 'હવે તું જાગ. હું ઊંઘી જાઉં છું.'

શિકારીએ કહ્યું, 'સારું.' વાંદરો તો નચિંત બનીને ઊંઘી ગયો.

ત્યાં વાઘે કહ્યું, 'એ માણસ ! તું આમ ને આમ ઝાડ પર ક્યાં સુધી બેસી રહેશે ? અને હું તો અહીંથી ખસવાનો જ નથી. ગમે એટલા દિવસ જાય ને ! હું તો અહીં જ રહેવાનો છું. પરંતુ જો તું આ વાંદરાને ધક્કો મારીને નીચે ફેંકી દેશે તો હું એનો શિકાર કરીને ચાલ્યો જઈશ ! એટલે હુંય છૂટો અને તુંય છૂટો.'

પહેલાં તો શિકારીએ ના પાડી પણ જેમ જેમ સમય જવા લાગ્યો, તેમ તેમ એને કંટાળો આવવા લાગ્યો. વાઘ પણ એને સમજાવી રહ્યો હતો. આથી શિકારી પીગળી ગયો.

એણે તો વાંદરાને ધક્કો માર્યો. વાંદરો ઊંઘમાં ગબડી પડ્યો પણ બીજી જ ક્ષણે જાગીને વૃક્ષની નીચેની ડાળ પકડી લીધી. એટલે જમીન પર પડતા રહી ગયો. આમ વાંદરો છેલ્લી ઘડીએ બચી ગયો.

વાઘના મોંમાં આવેલો શિકાર પાછો ચાલ્યો ગયો. એણે વાંદરાને કહ્યું, 'જોયું, વાંદરાભાઈ ! તમે જે માણસ પર વિશ્વાસ રાખ્યો, જેને મારા મોંમાંથી બચાવી રહ્યા છો તે કેવો કપટી છે ! હવે આગળ પાછળનું કંઈ પણ વિચાર્યા વગર એને નીચે ફેંકી દો. એટલે હું માર રસ્તે પડું.'

વાંદરો કહે, 'ના ! એ ભલે કપટી રહ્યો. મારાથી એવું નથાય. તમે બીજો શિકાર શોધવા ઊપડો. તમારું અહીં કંઈ જ વળવાનું નથી.'

વાંદરાએ તો શાંતિથી ના પાડી દીધી. અને પછી શિકારી સામે જોયું. શિકારી તો ભોંઠો પડીને નીચું જ જોઈ ગયો.

કંટાળીને વાઘ ચાલ્યો ગયો. એટલે વાંદરાએ પણ જવાની તૈયારી કરી. એણે કહ્યું, 'માણસ ! તારો સ્વભાવ સુધાર. કદી આવું કપટ ન કરવું. એનાથી કોઈક વાર મોટી મુશ્કેલીમાં આવી જશે. તું સવાર પડે પછી જ નીચે ઊતરજે.' કહીને વાંદરાએ છલાંગ મારી અને નીચે ઊતરી દોડતો સામેનાં વૃક્ષો પર ચાલ્યો ગયો.

શિકારી મનમાં પસ્તાતો ચૂપચાપ બેસી રહ્યો.

'હે કુમારો ! કદી કપટ કરવું નહિ. ઉપકાર ઉપર અપકાર કદી ન કરવો, ચાહે ગમે તે લાભ કેમ ન મળતો હોય !'

No comments