Latest

Baal Vaarta - બાળવાર્તા 28 - ઊંદરની ટોપી


એક હતો ઊંદર, એક દિવસ તે નગરમાં ચાલતો ચાલતો નગરની શોભા જોતો જોતો જતો હતો. ત્યાં તેણે રસ્તામાં એક કાપડ નો ટૂકડો પડેલો જોયો. એણે તો ટૂકડો હાથમાં લીધો અને એને આમ જોયો ને આમ જોયો, આમ જોયો ને આમ જોયો, આમ જોયો ને આમ જોયો. એને તો આ ટૂકડો ખૂબજ ગમી ગયો. એણે વિચાર્યું કે આની ટોપી બનાવી હોય તો! મને તે કેટલી સરસ લાગે. ટોપીના વિચારે એ કૂદતા કૂદતા દરજી પાસે ગયો. દરજી પાસે જઈને બોલ્યો, “દરજીભાઈ દરજીભાઈ!” “અરે! આ કોણ બોલે છે?” દરજીભાઈ તો ડાબે જૂએ ને જમણે જૂએ, ઉપર જૂએ ને નીચે જૂએ ક્યાંય કોઈ દેખાય જ નહી. ત્યાં તો દરજીની નજર ઊંદરભાઈ પર પડી, “હમ્ મ્ મ્ , આ તો મારું બેટું નાનું ઊંદરડું છે. અને એ બોલે છે. અલા ભાઈ ઉંદરડા તું અહીં કેમ આવ્યો છું? તને વળી મારું શું કામ પડ્યું?” ઊંદરડાએ પૂછ્યું, “દરજીભાઈ તમે મને આ કાપડ માંથી સરસ મઝાની ટોપી શીવી આપશો?” દરજીએ પૂછ્યું, “હમ મ્ મ્, ટોપી તો હું શીવી આપું પણ તું પૈસા વૈસા લાવ્યો છું?” ઊંદરભાઈએ કહ્યું, “ના દરજીભાઈ મારી પાસે પૈસા તો નથી!” દરજીભાઈ તો ચિઢાયા, “તો શેનો આવ્યો છે! ચાલતો થા, ચાલતો થા. આવી ગયો છે મોટો.” ઊંદરભાઈ તો વટ સાથે બોલ્યા, “એમ છે કે! જોવું છે કે! કચ્ચેરી મેં જાઉંગા, સિપાઈ કો બુલાઉંગા, બડે માર દેઉંગા, ઔર તમાશા દેખૂંગા!” દરજીભાઈ તો બી ગયા. “ના ના ઊંદરભાઈ! એવું ના કરશો. હમણાં જ તમારી ટોપી શીવી આપું છું.” દરજીભાઈએ તો ફટાફટ ટોપી શીવી આપી. ઊંદરભાઈએ તો માથે પેહરી અને ખૂશ ખૂશ થઇ ગયા.

ટોપી જોઈને ઊંદરભાઈ ને થયું, આની ઉપર સરસ ભરતકામ કરાયું હોય તો ટોપી તો વધુ સરસ લાગે. ઊંદરભાઈ તો ગયા ભરતકામ કરવા વાળા ભાઈ પાસે. આ વખતે તો સિદ્ધા એમના મેજ પર જ ચઢી ગયા. “ભરતવાળા ભાઈ, ભરતવાળા ભાઈ! મને આ ટોપી ઉપર સરસ ભરતકામ કરી આપોને.” ભરતવાળા ભાઈ કહે, “એય ઊંદરડા, આ શું! તું મારી મેજ ઉપર કેમ ચઢી આવ્યો. અને ભરત કામ માટે વાત કરવી હોય તો શાંતિ થી આવીને કર. અને હા, પૈસા લાવ્યો છું ભરતકામ ના?” ઊંદરભાઈ કહે, “ના ભાઈ હું પૈસા તો નથી લાવ્યો!” ભરતકામવાળા ભાઈ તો ચિઢાયા , “તો શેનો આવ્યો છે! ચાલ જા અહીં થી, મારે બીજા સત્તર કામ છે.” ઊંદરભાઈ તો વટ સાથે બોલ્યા, “એમ છે કે! જોવું છે કે! કચ્ચેરી મેં જાઉંગા, સિપાઈ કો બુલાઉંગા, બડે માર દેઉંગા, ઔર તમાશા દેખૂંગા!” ભરતવાળા ભાઈ પણ બી ગયા. “ના ના ઊંદરભાઈ! એવું ના કરશો. હમણાં જ તમારી ટોપી ઉપર ભરતકામ કરી આપું છું.” એમણે પણ ફટાફટ ટોપી ઉપર ભરત ભરી આપ્યું. ઊંદરભાઈ તો આમ જૂએ ને આમ જૂએ, આમ જૂએ ને આમ જૂએ, “ અરે વાહ! કેટલું સરસ ભરતકામ કર્યું છે”

પાછું ટોપી જોઈને ઊંદરભાઈને થયું, “ભરતકામ તો સરસ થઇ ગયું, હવે હું આના ઉપર મોતીકામ કરવું તો કેટલું સરસ લાગે!” ઊંદરભાઈ તો ગયા સીધા મોતી ભરવા વાળા ભાઈ પાસે. જઈને કહ્યું, “મોતીભારવા વાળા ભાઈ ઓ મોતી ભરવા વાળા ભાઈ! મને આમાં મોતી ભરી આપોને.” મોતીભરવા વાળા ભાઈ કહે, “મોતી તો હું ભરી આપું પણ તું પૈસા વૈસા લાવ્યો છે?’ ઉંદરભાઈ એ તો કહ્યું, “ના ભાઈ મારી પાસે પૈસા તો નથી! પણ મને ખૂબ મન છે તો મને મહેરબાની કરીને ભરી આપોને!” મોતીવાળા ભાઈ પણ ચિઢાયા, “તો પછી? આમ શેનો આવ્યો છે મોતી ભરાવવા? મારે કઈ મોતી મફત આવે છે? ચલ જા હવે.” ઊંદરભાઈ તો વટ સાથે બોલ્યા, “એમ છે કે! જોવું છે કે! કચ્ચેરી મેં જાઉંગા, સિપાઈ કો બુલાઉંગા, બડે માર દેઉંગા, ઔર તમાશા દેખૂંગા!” મોતીવાળાભાઈ પણ બી ગયા. “ના ના ઊંદરભાઈ! એવું ના કરશો. હમણાં જ તમારી ટોપી પર મોતી ટાંકી આપું છું.” મોતીવાળાભાઈએ તો સરસ મોતી ટાંકી આપ્યા.

પછી તો ઊંદરભાઈ એટલા રાજી થયા, એટલા રાજી થયા, કે માથે ટોપી મૂકીને એતો કૂદતા જાય ને ગાતા જાય, “રાજા કરતા મારી ટોપી સારી… રાજા કરતા મારી ટોપી સારી… રાજા કરતા મારી ટોપી સારી…” હવે એજ વખતે ત્યાંથી રાજાજીની સવારી નીકળી, અને રાજાજીએ તો સવારી રોકી પૂછ્યું, “કોણ છે આ? કોણ ગાય છે કે મારા કરતા એની ટોપી સારી? કોણ છે? સિપાઈઓ જાઓ અત્યારે ને અત્યારે પકડી લાવો એને!” બધ્ધા સિપાઈઓ તો ચારે તરફ શોધવા લાગ્યા. ત્યાં તો એમણે આ નાનું અમસ્તું, પોતાની ધૂનમાં ગાતું, ટોપી સરખી કરતું, ઊંદર જતું જોયું. એટલે સિપાઈઓ એ તો તરત પકડી લીધું. ઊંદરભાઈને લઈ, સિપાઈઓ તો ગયા રાજા પાસે અને બોલ્યા, “રાજાજી આ રહ્યો એ ઊંડારડો, રસ્તા પર નાચતો ગાતો જતો હોતો કે ‘રાજા કરતાં એની ટોપી સારી’.” “મારી ટોપી કરતાં પણ સારી એવું કેહ છે? સિપાઈઓ લઇ લો એની ટોપી!” સિપાઈઓ એ તો તરત ઊંદરભાઈની ટોપી લઇ લીધી. ઊંદરભાઈ તો ગાવા માંડ્યા, “રાજા ભિખારી, મારી ટોપી લઇ લીધી…. રાજા ભિખારી, મારી ટોપી લઇ લીધી….” આ સંભાળીને રાજા તો ધુંવા પુંવા થઇ ગયા. “અરે!!! આ મારું બેટું ઊંડારડું આવું કહે છે!!! પાછી આપી દો એની ટોપી. આપને નથી જોઈતી એની ટોપી!” સિપાઈઓએ તો ટોપી ઊંદરભાઈને પાછી આપી દીધી. ઊંદરભાઈ તો પાછા ગાવા માંડ્યા, “રાજા મારાથી ડરી ગયો, મારી ટોપી પાછી આપી…. રાજા મારાથી ડરી ગયો, મારી ટોપી પાછી આપી….” એમ ગાતો ગાતો એતો ત્યાંથી નાઠો. અને જંગલમાં જઈને પાછો ગાવા લાગ્યો, “રાજા કરતાં મારી ટોપી સારી… રાજા કરતાં મારી ટોપી સારી…” એમ ગાતા ગાતા ઘરે પહોંચી ગયો. અને ખાધું પીધું ને મોજ કરી.

No comments