Latest

Baal Vaarta - બાળવાર્તા 45 - માણસનો સાથી


પહેલાં ઘોડા જંગલમાં જ રહેતા હતા.

એક વાર એક ઘોડાને વિચાર આવ્યો કે, કોઈ શક્તિશાળી મિત્ર બનાવવો જોઈએ. જેથી તે મુશ્કેલીના સમયમાં આપણને મદદ કરે. અને તેની સાથે સમય પણ સરસ પસાર થઈ જાય.

અને આ વિચાર એણે તરત જ અમલમાં મૂક્યો. વધુ શક્તિશાળી જંગલમાં કોણ ? એની ઘોડાને કંઈ ખબર ન હતી. આથી તેણે ત્યાંથી પસાર થતાં વરુને ઊભું રાખ્યું, અને કહ્યું, 'વરુભાઈ ! તમે મારા દોસ્ત બની જાઓ, એક સે ભલા દો.'

'સારું.' વરુએ કહ્યું. અને બન્ને દોસ્ત બની ગયાં. બન્ને સાથે ફરે. જાતજાતની વાતો કરે અને લહેરમાં રહે.

એક દિવસ ઘોડાને શિકારી પ્રાણીની ગંધ આવી. તે તો જોરમાં ઉછળ્યો. અને હણહણવા મંડ્યો.

વરુએ કહ્યું, 'ઘોડાભાઈ ! તમે ચૂપ રહો. રીંછ-બીંછ હશે તો આપણી ચટણી બનાવીને ખાઈ જશે.'

બન્ને ભાગ્યાં. ભાગદોડમાં બન્ને છૂટાં પડી ગયાં. ઘોડાએ વિચાર્યું, આ વરુ રીંછથી બીએ છે. એનાથી રીંછ વધુ શક્તિશાળી હશે ત્યારે ને !

આપણે તો વધુ શક્તિશાળી હોય તેની સાથે જ દોસ્તી રાખવી.

ઘોડાએ વરુની દોસ્તી તોડી નાખી. એને એક રીંછ મળ્યું. તેની સાથે દોસ્તી બાંધી. બન્ને સાથે રહેવા લાગ્યાં. સાથે ફરવા લાગ્યાં.

એક દિવસ રાત્રે અચાનક ઘોડાને શિકારી પ્રાણીની ગંધ આવી. તે તો હણહણાટી પર હણહણાટી કરવા લાગ્યો.

રીંછ ગભરાયું. તેણે કહ્યું, 'ઘોડાભાઈ ! ચૂપ રહો. નજીકમાં સિંહ-બિંહ હશે તો તમારો અવાજ સાંભળી અહીં આવી પડશે અને આપણી કચુંબર કરી નાખશે.'

ત્યાં જ સિંહની ત્રાડ સંભળાઈ. બન્ને જીવ લઈને નાઠાં. રીંછ ધીરું અને ઘોડો તેજ. એ તો દોડતો દોડતો ક્યાંનો ક્યાં પહોંચી ગયો.

ઘોડાને વળી વિચાર આવ્યો કે, આ રીંછ સિંહથી બીએ છે. માટે એના કરતાં સિંહ વધુ શક્તિશાળી. આપણે તો બસ શક્તિશાળી હોય તેની સાથે જ દોસ્તી રાખવી.

ઘોડાએ રીંછની દોસ્તી તોડી નાખી અને પહોંચી ગયો સિંહ પાસે. સિંહને કહ્યું, 'હે સિંહ ! તું મારી સાથે દોસ્તી કર.' સિંહ એકલો જ હતો. એને થયું, ચાલો બે જણા હશે તો સમય જલદી વીતશે. એટલે બન્ને દોસ્ત બન્યા. બન્ને પોતાના અનુભવોની વાત કરે અને ફરે.

એક વાર ફરી ઘોડાને કંઈ શિકારી પ્રાણીની ગંધ આવી. એ તો બે પગે ઊભો થઈ હણહણવા લાગ્યો.

સિંહે કહ્યું, ચૂપ થઈ જા. આટલા તેટલામાં કોઈ માણસ હશે તો આપણા બન્નેનું આવી બનશે.'

ઘોડો વિચારમાં પડી ગયો. આ સિંહ તો માણસથી બીએ છે. માટે માણસ જ સૌથી શક્તિશાળી છે. હું માણસ સાથે દોસ્તી બાંધીશ.

બીજે દિવસે ઘોડો સિંહની દોસ્તી તોડીને ચાલ્યો ગયો. ફરતો ફરતો જંગલના છેડે પહોંચ્યો. ત્યાંથી ગામ શરૂ થતું હતું. ઘોડો આગળ વધ્યો. એણે જોયું તો ત્યાં માણસોની વસ્તી હતી.

અને એણે એક માણસ સાથે દોસ્તી બાંધી.

'હે કુમારો ! બસ ! ત્યારથી ઘોડો માણસ સાથે જ દોસ્તી રાખતો આવ્યો છે.'

No comments