Latest

Baal Vaarta - બાળવાર્તા 53 - ઊંટની ગરદન


ઊંટની પહેલાં સામાન્ય પશુઓ જેવી જ ગરદન હતી. ટૂંકી જ વળી. એનું શરીર મોટું અને ગરદન ટૂંકી. એટલે ખોરાક માટે ખૂબ ફરવું પડતું. આખો દિવસ ફરી ફરીને એની પગ દુઃખી જતાં.

એ કંટાળી ગયું. એટલે એણે પ્રભુની આરાધના કરવા માંડી. અને તપ કરવા માંડ્યું. એની નિષ્ઠા અને ઉત્કટતા જોઈ પ્રભુ પ્રસન્ન થયા. અને કહ્યું, 'માગ ! માગ ! તું જે માગશે તે આપીશ.'

ઊંટ તો ખુશ ખુશ થઈ ગયું. તેણે પ્રભુને પ્રણામ કર્યાં અને કહ્યું, 'પ્રભુ ! હું કેવડું મોટું પ્રાણી અને આ ટૂંકી ગરદન ! મને બહુ તકલીફ પડે છે. મારી આ ગરદન લાંબી કરી આપો. બસ ! મારી આટલી ઇચ્છા પૂરી કરો.'

અને ઊંટની ગરદન પુષ્કળ લાંબી થઈ ગઈ. હવે એ તો એક જગ્યાએ બેસી રહેતો. બસ ! ગરદન લંબાવીને ઊંચા ઊંચા ઝાડ પરથી પાન ખાઈ લેતો. જમીન પરથી કુણું કુણું ઘાસ ખાતો. એને તો મજા આવી ગઈ.

આમ ને આમ ઘણો સમય પસાર થઈ ગયો. એક વાર જંગલમાં તોફાન-આંધી ચડી. પુષ્કળ પવન ફૂંકવા લાગ્યો. ચારે તરફ ધૂળની ડમરીઓ ચઢવા લાગી. તેને લીધે છતે દિવસે અંધારું થઈ ગયું. વૃક્ષો તો ભૂવાની જેમ જોર જોરથી ડોલવા લાગ્યાં. ઊંટે પોતાની ગરદનને બચાવવા પોતાની નજીક લાવવા કોશિશ કરી. પણ આટલી લાંબી ગરદન બધી જ કેવી રીતે નજીક આવે ! તેમાં એક વૃક્ષ તેની ગરદન પર જ પડ્યું. ઊંટને થયું, 'હાય ! હવે તો જીવ નીકળી જ જશે. વૃક્ષના ભારથી તેની ગરદન ચગદાવા માંડી.'

એટલે આર્તસ્વરે પ્રભુને પોકારવા માંડ્યા. તરત જ ભગવાન હાજર થયા અને પૂછ્યું, 'તેં મને ફરી કેમ યાદ કર્યો ?'

'પ્રભુ.... મારી ગરદન... પેલા ઝાડ નીચે દબાઈ ગઈ છે... એને બહાર કાઢો.'

પ્રભુએ તરત જ વૃક્ષને અધ્ધર કર્યું, એટલે તેની ગરદન બહાર નીકળી ગઈ.

'પ્રભુ ! આ ગરદન તો કોઈ વાર મારો જીવ લેશે. એને ટૂંકી કરો.'

પ્રભુ હસી પડ્યા અને એની ગરદન ટૂંકી કરી. છતાં પહેલાં હતી તેટલી ટૂંકી નહીં, એનાથી થોડી લાંબી.

ઊંટે પ્રભુનો આભાર માન્યો. પ્રભુ અદૃશ્ય થઈ ગયા.

બસ ! ત્યારથી ઊંટની ગરદન હાલ દેખાય છે તેવી જ રહી. હવે આંધી-તોફાન આવે ત્યારે એ પોતાની ગરદન સમેટી શકે છે.

'હે કુમારો ! કોઈપણ વસ્તુ 'અતિ' ન સારી. માપસરની જ સારી. જે અતિ થાય તે અડચણરૂપ જ થાય.'

No comments