Baal Vaarta - બાળવાર્તા 40 - શિયાળ ફાવ્યું
ઘોર જંગલમાં ઘણાં હિંસક પ્રાણીઓ રહેતાં હતાં. એમાં એક વાર એક દીપડો શિકાર માટે જઈ રહ્યો હતો.
રખડી રખડીને થાક્યો, પણ એકે શિકાર ન મળ્યો. ત્યાં અચાનક એની નજર એક મરેલાં હરણ પર પડી. એ જોઈને એના મોંમાં પાણી આવી ગયું. આમે હરણનું માંસ તો તેને ખૂબ જ ભાવતું. તે તો રાજીનું રેડ બની ગયું. અને દોડ્યું, હરણ પાસે. પરંતુ એ હરણ પાસે પહોંચ્યું ત્યાં જ એક રીંછ પણ હરણ પાસે પહોંચી ગયું. બન્ને સાથે જ હરણ પાસે પહોંચી ગયા.
દીપડો કહે, 'હરણ મેં પહેલાં જોયું અને હું પહેલો એની પાસે પહોંચ્યો છું. માટે એ મારું ભોજન છે. માટે રીંછડા, તું ભાગ !'
રીંછ કહે, 'અરે દીપડા, હરણને મેં પહેલાં જોયું. હું પહેલાં એની પાસે પહોંચ્યો અને તું શાનો હક કરે છે ? તું ભાગ અહીંથી !'
આમ રીંછ ને દીપડો ઝગડવા માંડ્યા. ઝગડતાં ઝગડતાં બન્ને મારામારી પર આવી ગયાં. અને એવા લડ્યાં, એવા લડ્યાં કે લોહીલુહાણ થઈ ગયાં. બન્ને એક તરફ ઢળી પડ્યાં. લડવાની તો શું, ઊભા થવાની પણ બન્નેમાં શક્તિ ન હતી. બન્ને પડ્યા પડ્યા હાંફી રહ્યાં હતાં.
ત્યાંથી એક શિયાળ નીકળ્યું. તેણે જોયું તો એક મરેલું હરણ પડ્યું હતું. તેની એક બાજુ ઘાયલ રીંછ પડ્યું છે અને બીજી બાજુ ઘાયલ દીપડો. બન્ને લોહીલુહાણ થઈને હાંફતાં હાંફતાં પડ્યાં છે. એ સમજી ગયું કે આ હરણ માટે બન્ને લડીલડીને ઢસ થઈ ગયાં છે. ખસવાનીયે શક્તિ બન્નેમાં બચી ન હશે. શિયાળ તો ધીરેથી હરણ પાસે ગયું અને તેને મોંથી પકડી ખેંચવા લાગ્યું. તે દૂર સુધી હરણને ખેંચતું લઈ ગયું. ન તો એને રીંછ રોકી શક્યું કે ન તો દીપડો એને રોકી શક્યો. બન્ને લાચાર બનીને શિયાળને જતું જોઈ રહ્યાં. પોતાના પ્રિય ભોજનને જતું જોઈ રહ્યાં.
'હે કુમાર ! બેની લડાઈમાં ત્રીજો ફાવે તે આનું નામ.'
No comments