Latest

Baal Vaarta - બાળવાર્તા 47 - બુલબુલની સલાહ


એક જંગલમાં ઘણાં બધાં વાંદરાં રહેતા હતાં. આખો દિવસ આ ડાળથી પેલી ડાળ, આ ઝાડથી પેલું ઝાડ... બાસ કૂદાકૂદ કરે. મીઠાં મીઠાં ફળ ખાય, ખાટી ખાટી આમલી ખાય. આમ તો એમને બધી વાતે સુખ હતું પણ એક વાતનું બહુ દુઃખ.

શિયાળો આવે એટલે ઠંડીમાં ઠરી જાય. દુઃખી દુઃખી થઈ જાય. ઘર બનાવતાં તેઓ શીખેલાં જ નહિ. વળી શિયાળામાં ઝાડનાં પાન પણ ખરી જાય એટલે એની હૂંફ પણ ઘટી જાય.

એકવાર માગસર મહિનો ચાલે. કુદરત કોપી અને ભયાનક ઠંડી શરૂ થઈ. તેમાં પડ્યો કમોસમી વરસાદ. ઉપરથી સન... સન... કરતો ઠંડો પવન...

વાંદરાં તો તોબા પોકારી ગયાં. ભીંજાઈ ગયેલા એટલે ઠંડી વધારે લાગવા માંડી. બધાના તો દાંત કકડવા લાગ્યા.

બધાં વાંદરાં ઠંડીથી બચવાનો ઉપાય શોધવા લાગ્યાં. ત્યાં એક વાંદરાની નજરે ચણોઠી ચડી. તેણે કહ્યું, 'આ આગના ટૂકડા લાગે છે. એને ભેગા કરીએ. પછી એનું તાપણું કરીશું એટલે ઠંડી ઊડી જશે.'

બધાં વાંદરાં સંમત્ર થયાં. અને ચણોઠી ભેગી કરતાં હતાં ત્યાં એક બુલબુલનો માળો હતો. બુલબુલ પોતાના માળામાં બેસી વાંદરાંઓની આ ગતિવિધિ જોયા કરતું હતું. તેને થયું, આ મૂરખ વાંદરાઓને એટલી અક્કલ બથી કે આ ચણોઠી છે. કંઈ આગ નથી કે તેમની ઠંડી ઓછી થાય ! લાવ, હું તેઓને સમજાવું. એટલે આ ચણોઠી ભેગી કરવાની ખોટી મહેનત કરતાં મટે અને ઠંડીથી બચવાનો નવો ઉપાય શોધે.

બુલબુલે એક વાંદરાંને કહ્યું, 'ભાઈ ! આ તો ચણોઠી છે. કંઈ આગ નથી. તમે નાહક એને ભેગી કરવાની મહેનત કરો છો. એનાથી તમને ઠંડી સામે કોઈ રક્ષણ મળવાનું નથી.'

'એઈ લપિયા ! તું તારે ચૂપ રહે. તને અક્કલ છે તે અમને ખબર છે. અમારા કામમાં માથું ન માર.' વાંદરાએ ગુસ્સે થઈને દાતિયું કર્યું અને કહ્યું :

'અમે આટલાં નાનાં નાનાં પક્ષી છીએ છતાં માળો બનાવી તેમાં રહીએ છીએ. જ્યારે તમે તો આટલા મોટા છો, તમને ભગવાને બે હાથ આપ્યા છે. અક્કલ આપી છે. તો તમે તમારું ઘર કેમ બનાવી લેતા નથી ! ઘર હોય તો ઠંડી ન લાગે ને !'

હવે વાંદરાંઓનું મગજ છટક્યું. આટલું વેંતનું બુલબુલ અમને સલાહ આપે ! ખલાસ !

વંદરાંઓએ તો ઝપા મારી બુલબુલને પકડી લીધું અને પીખી મરડીને નીચે ફેંકી દીધું. એનો માળો પણ તોડી હવામાં ઉડાડી મૂક્યો. બિચારા બુલબુલનાં તો તરત જ રામ રમી ગયાં.

'હે કુમારો ! મૂર્ખાઓને કદી સલાહ-સૂચન આપવાં નહિ. નહિ તો તેઓ આપણો જ વિરોધ કરશે અને આપણને જ નૂકસાન પહોંચાડશે.'

No comments