Panchtantra Story 7: બીકણ સસલી
એક જંગલમાં એક સસલી રહેતી હતી. તે સ્વભાવે ઘણી જ બીકણ હતી. નાનો સરખો અવાજ થાય કે તરત જ સંતાઈ જાય. આથી એ પૂરું ખાઈ ન શકે કે પૂરું પી ન શકે. એના મનને પળવારનીયે શાંતિ નહિ.
એક વાર એ ખોરાક માટે જંગલમાં ફરી રહી હતી. બીકથી એનું મન ફફડી રહ્યું હતું. પરંતુ ભૂખ એવી કકડીને લાગી હતી કે ખોપ્રાક શોધ્યા વગર છૂટકો ન હતો.
હવે એ જે ઝાડ નીચે ફરી રહી હતી તે બોરનું ઝાડ હતું. એના પરથી એક પાકું મોટું બોર સસલી પર પડ્યું. તે સાથે જ સસલી ચમકી અને ભાગી. જીવ લઈને નાઠી. એને નાસતી જોઈને ત્યાં ફરતા એક હાથીએ પૂછ્યું, 'સસલીબાઈ ! સસલીબાઈ ! ક્યાં ભાગ્યાં ?'
સસલી ભાગતાં ભાગતાં બોલી, 'ભાગો રે ભાગો ! આભ પડ્યું છે ! સસલી ભાગતાં ભાગતાં બોલી, 'ભાગો રે ભાગો ! આભ પડ્યું છે !' એ સાંભળીને હાથી પણ ગભરાયો અને ભાગવા લાગ્યો. પછી તો ગભરાટમાં સસલી ભાગતી જાય અને એક સરખી બોલતી જાય ઃ 'ભાગો રે ભાગો ! આભ પડ્યું છે !'
સસલી સાથે હાથીને ભાગતો જોઈ, રીંછ ભાગ્યું. એ બન્નેને જોઈ વાંદરાં ભાગ્યાં, અને એ જોઈ પછી તો બધાં જ ભાગ્યા. સિંહ ભાગ્યો, વાઘ ભાગ્યો, વરુ ભાગ્યો, સુવ્વર ભાગ્યો, ગેંડો ભાગ્યો, ચિત્તો ભાગ્યો, દીપડો ભાગ્યો, બધાં જ પ્રાણીઓ ભાગી રહ્યાં હતાં.
આ બધી ધમાલ શિયાળે જોઈ. એ પૂછવા લાગ્યું, 'તમે બધાં ક્યાં ભાગો છો ?'
બધાં કહે, 'આભ તૂટી પડ્યું છે. તું પણ ભાગ.'
શિયાળને આશ્ચર્ય થયું. તેણે ઊંચે જોયું તો આભ તો એની જગ્યાએ જ હતું. તેણે દોડતાં દોડતાં સિંહને પૂછ્યું, 'મહારાજ ! તમે જરા ઊભા તો રહો ! અને ઊંચે જુઓ. આભ તો એની જગાએ જ છે.'
સિંહ ઊભો રહ્યો એટલે બધાં ઊભાં રહી ગયાં. સિંહે ઊંચે જોયું તો આભ એની જગાએ જ હતું.
'અરે ! પેલી બીકણ સસલીએ તો આપણને ખોટા જ બિવડાવી માર્યા !' બધાં પ્રાણીઓ હસી પડ્યાં. અને પોતપોતાને રસ્તે ચાલ્યાં ગયાં.
અને સસલી તો બીકની મારી સંતાઈ જ ગઈ.
'હે કુમારો ! બીકણ માણસો કહે, તે વાતની ખાતરી કરવી. નહિ તો પેલાં પ્રાણીઓની જેમ મૂરખ ઠરવું પડે.'
No comments